વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં કડકડતી ઠંડી પડશે કે માવઠું? જાણો હવામાન અને અંબાલાલની આગાહીઓ

 
Ambalal

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ ઉત્તર- ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઇ રહ્યા છે. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, હાલ વરસાદની કોઇ સંભાવના નથી. આ સાથે તેમણે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગે પણ આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અંગેની આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઇ શક્યતા નથી. આ સાથે તેમણે તાપમાન અંગે જણાવ્યુ કે, રાજ્યના તાપમાનમાં ત્રણેક દિવસ સુધી કોઇ ફેરફાર થાય તેવી સંભાવના દેખાઇ નથી રહી. પરંતુ ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન કરવામાં આવ્યુ છે. બેથી ત્રણ દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધારે ઘટવાની શક્યતા નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, હાલ રાજ્યના માછીમારો માટે કોઇ ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદની વાત કરીએ તો આજે શહેર અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરનું આકાશ ક્લિયર રહે તેવી પણ આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ વખતે અરબી સમુદ્રમાં આજથી હલચલ જોવા મળશે. 12મી તારીખથી ડીપ ડિપ્રેશન બનવાની શકયતા રહેશે. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરનો ભેજ ભળી જશે. જેના કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી રહેશે. જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેશે.

 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે જણાવ્યુ હતુ કે, આ વખતે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. જેના કારણે ઠંડા પવન આવતા નથી. 12થી 13 ડિસેમ્બરના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે. આ સાથે 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વરતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બર ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે માર્ચ મહિનામાં સુધી અલનીનો અસર વર્તાશે અને ઠંડીમાં વધ ઘટ થતી રહેશે.