બ્રેકિંગ@ગુજરાત: તો શું મહેસાણાને મળશે નવા પોલીસ અધિક્ષક ? જાણો SP અચલ ત્યાગીને શું જવાબદારી મળશે ?

 
Mehsana SP

અટલ સમાચાર, ડેસ્ક

થોડાક સમય અગાઉ પોલીસબેડામાં IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જે બાદમાં હવે કેટલાક IPS અધિકારીઓને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અનેક મીડિયા અહેવાલો અનુસાર આ IPS અધિકારીઓની યાદીમાં મહેસાણાના SP અચલ ત્યાગીનું પણ નામ હોવાનું ખૂલ્યું છે. સંભવિત રીતે 7 જેટલા IPS અધિકારીઓને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવી શકે છે. 

મહેસાણામાં કાર્યભાર સંભાળ્યા બાદ SP અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને જિલ્લા પોલીસની ટીમે સરાહનીય કામગીરી કરી અને ગુનાઓ ઉકેલી અને મહેસાણા જિલ્લાને ક્રાઇમ મુક્ત કારવાનો સફળ પ્રયાસ કર્યો છે. આ સાથે મહેસાણા SPની રાહબરી હેઠળ તાજેતરમાં જ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ મહેસાણાવાસીઓએ પણ SP અચલ ત્યાગી અને મહેસાણા જિલ્લા પોલીસને અભિનંદન આપ્યા હતા. હવે જો મહેસાણા SP અચલ ત્યાગી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જાય તો ફરી એકવાર મહેસાણા જિલ્લાને નવા SP મળી શકે છે. જોકે હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી. પરંતુ મીડિયા અહેવાલો મુજબ 7 જેટલા અધિકારીઓને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. 

ગુજરાત કેડરના 7 IPS અધિકારીઓને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવાના કેન્દ્રના નિર્ણયથી રાજ્ય સરકારના અધિકારીઓ અને જેમના નામ આ યાદીમાં સામેલ છે તેમનામાં ખળભળાટ મચી ગયો છે. આ યાદીમાં સામેલ IPS અધિકારીઓમાં સુરત રેન્જ આઇજી પી વી ચંદ્રશેખર, મહેસાણાના SP અચલ ત્યાગી, આણંદ SP પ્રવીણ મીણા, અમદાવાદ ગ્રામ્યના SP અમિત વસાવા, DCP અમદાવાદ સાયબર સેલ અજીત રાજિયાન, SP ATS સુનિલ જોશી અને SP અમદાવાદ સેન્ટ્રલ જેલ શ્વેતા શ્રીમાળીનો સમાવેશ થાય છે. ચંદ્રશેખર માટે આ તેમનું બીજું કેન્દ્રીય પ્રતિનિયુક્તિ હશે. આ પહેલા તેઓ CBIમાં ડીઆઈજી હતા.

સૂત્રોનું માનીએ તો IPS દંપતી સુનિલ જોશી અને શ્વેતા શ્રીમાળીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)માં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પસંદ કરી છે. CBIમાં ન મોકલવાની વિનંતી કર્યા બાદ જોશીને NIAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બાકીના 5 IPS અધિકારીઓ માટે CBI ડેપ્યુટેશનની માંગ કરી છે. ગૃહ મંત્રાલય હેઠળના કર્મચારી વિભાગે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે વિવિધ રાજ્યોના 13 IPS અધિકારીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા. અન્ય રાજ્યોને 6 IPS અધિકારીઓને રિલીવ કરવા પત્ર મોકલવામાં આવ્યા છે અને ગુજરાત કેડરના સાત IPS અધિકારીઓ માટે આવો પત્ર ખૂબ જ ટૂંક સમયમાં આવે તેવી સંભાવના છે.

અહી એક ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કેડરના 10 થી વધુ IPS અધિકારીઓ પહેલાથી જ વિવિધ કેન્દ્રીય એજન્સીઓમાં તૈનાત છે. ગુજરાતમાં 150થી વધુ IPS અધિકારીઓને SP અને DCP તરીકે તૈનાત કરવામાં આવ્યા છે અને તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં સ્થિરતા આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે હવે આ 7 જેટલા અધિકારીઓને પ્રતિનિયુક્તિ પર કેન્દ્રમાં મોકલવામાં આવે તો હવે સંબધિત ખાલી જગ્યા પર નવા અધિકારીને જવાબદારી મળી શકે છે.