અપડેટ@ગુજરાત: શિયાળો જામ્યો અને હવામાનની આગાહીથી ખેડૂતોમાં ચિંતા, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
એક બાજુ જાન્યુઆરી મહિનો શરૂ થતા જ શિયાળો જામ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. માવઠાની આગાહીના પગલે ફરી એકવાર જગતના તાત માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ બાદ અરબ સાગર ઉપર ટ્રફ સર્જાશે જે ટ્રફ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના પગલે વાદળછાયું વાતાવરણ રહેશે એટલું જ નહીં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 9 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.