દર્દનાક@મહેસાણા: મધરાતે લકઝરી બસ પલટી જતાં મહિલા અને બાળકનું મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના નંદાસણ પાસે ગઈકાલે મોડી રાત્રે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી હતી. વિગતો મુજબ એક લકઝરી બસ રોડ પર અચાનક પલટી મારી ગઈ હતી. આ તરફ મધરાતે અકસ્માત સર્જાતા મુસાફરોની બૂમાબૂમથી લોકો દોડી આવતા હતા. જ્યાં રાહત બચાવ કામગીરી કરી તમામને બહાર નિકાળવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી આ ઘટનામાં 2 લોકોનાં કરુણ મોત તો 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.
મહેસાણા-અમદાવાદ હાઇવે પર નંદાસણ પાસે ગઈકાલે મધરાતે 3 વાગ્યા આસપાસ સુરતથી જોધપુર જતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. હાઇવે પર અચાનક લકઝરી બસ પલટી મારી જતાં મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જેને લઈ મધરાતે સ્થાનિકો દ્વારા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને બહાર નિકાળી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યા આસપાસ સર્જાયેલા આ અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દર્દનાક અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું. જેને લઈ બંનેનાં મૃતદેહ નંદાસણ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મહેસાણા-અમદાવાદ હાઇવે પર અનેક વાર આવી અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે.