બનાવ@સુરત: સ્પાઈનની સમસ્યાના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિજનોના હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત થયા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. સ્પાઇનની સમસ્યાના પગલે સુરતની રાંદેર ખાતે આવેલી હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. વહેલી સવારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ ત્રણથી ચાર વખત પાવર સપ્લાય કટ થયો હોવાના પણ આક્ષેપ પરિવારે કર્યા હતા. જોકે મોડે સુધી મહિલાના મોત અંગેની કોઈ પણ જાણકારી પરિવારને આપવામાં આવી નહોતી. જ્યાં કાયદાકીય રીતે હોસ્પિટલના તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ પરિવારજનો એ કરી હતી.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના તબિબ સામે ગંભીર આક્ષેપો થયા છે. હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે ઓ.ટી.માં ઓપરેશન અર્થે લઇ જવાયેલી મહિલાના મોતની જાણ મોડે સુધી પરિવારને કરવામાં આવી ન હોવાના આક્ષેપ થયા છે. જ્યાં મૃતક મહિલાના મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મૃતક મહિલાના સંબંધી હિમાંશુ ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા ગંભીર આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમના સાસુ શાંતાબેનને રાંદેર ખાતે આવેલી શિવાજંની હોસ્પિટલમાં “સ્પાઈન” ની સમસ્યાના પગલે દાખલ કરવામાં આવ્યા હતા.

જે બાદ હોસ્પિટલના તબીબ ધવલ પટેલ દ્વારા ઓપટેશન કરવાની વાત કરી હતી. જે માટે પરિવારે મંજૂરી આપી હતી. ત્યારબાદ ગત રોજ સવારે પોણા આઠ વાગ્યે શાંતાબેનને ઓપરેશન માટે ઓ.ટી.રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જે દરમ્યાન ત્રણથી ચાર વખત પાવર સપ્લાય પણ કટ થયો હતો.બાદમાં સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં શાંતાબેનના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. આમ હોસ્પિટલ તરફથી સાસુના મોતની જાણકારી મોડે સુધી દબાવી રાખવામાં આવી હતી. હોસ્પિટલના તબીબ ની બેદરકારીના કારણે સાસુનું મોત થયું છે. જે અંગે હોસ્પિટલ સામે કાયદાકીય રીતે કાર્યવાહી થાય તેવી પરિવારની માંગ છે.

બીજી તરફ હોસ્પિટલના તબીબ સામે પરિવારએ કરેલા ગંભીર આક્ષેપોના પગલે હોસ્પિટલના તબીબનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલના તબીબ હાજર ના હોવાના કારણે સ્ટાફ દ્વારા મોડેથી વાત કરાવવા અંગેનું નિવેદન ટેલીફોનિક દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઘટનામાં પરિવારે તબીબ સામે જે આક્ષેપો કર્યા છે તેને લઈ ન્યાયની માંગ સાથે રાંદેર પોલીસમાં પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે. ત્યારે પરિવારે કરેલા આક્ષેપો કેટલા તથ્ય છે તે અંગેની હકીકત પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે.