ઘટસ્ફોટ@દેવગઢબારીયા: ઘરના આંગણાંને મનરેગાના સીસીરોડમાં ખપાવ્યા, તમામ રોડની ઓળખના બોર્ડ મારો, લોકમાંગ

 
Devgadh Bariya

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામમાં મનરેગા અને નાણાંપંચના રોડમાં કથિત કૌભાંડની સ્થાનિકોમાં બૂમરાણ મચી છે. આ દરમ્યાન કૌભાંડની તપાસ કરાવાને બદલે આગ ડામી દેવા શક્તિઓ કામે લાગી છે. આ તમામ ગતિવિધિઓ વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવતાં રોડ કૌભાંડની આખી દિશા બદલાઈ જાય તેમ છે. જેમ કે, ગુજરાતમાં પ્રથમવાર નકલી કચેરી કૌભાંડ આવ્યું તેમ મનરેગાના કૌભાંડીઓએ ઘર પાસેના આંગણાંમાં સિમેન્ટ પાથરી સીસીરોડમાં ખપાવી દીધા છે. આ મનરેગાના એક રોડનો ખર્ચ 5 લાખ છે ત્યારે હવે સૌથી મોટી લોકમાંગ ઉઠી છે. ભથવાડા ગામમાં સરકારી ખર્ચે બનાવેલા તમામ સીસીરોડ અને પેવરબ્લોકની ઓળખ દર્શાવતાં બોર્ડ લગાવવાની માંગ ઉઠી રહી છે. મનરેગા અને નાણાંપંચના રોડમાં ચોંકાવનારું કૌભાંડ હોવાની ફરિયાદ સીઆરડી પહોંચતાં મામલો ગરમાયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામમાં મનરેગા હેઠળ સીસીરોડ, સ્ટોનબંધ, ચેકડેમ સહિતના એવા અનેક કામો થયા જેમાં સૌથી વધુ મટીરીયલ જાય તેવા કામો છે. માત્ર 2 વર્ષમાં જ કરોડોના કામો કર્યા છે ત્યારે સ્થાનિક અરજદારે વિગતો ચકાસી અને ગામના વિવિધ ફળિયા વિસ્તારની મુલાકાત લીધી તો હડકંપ મચી જાય તેવી માહિતી સામે આવી છે. ગામનાં અનેક આંગણાંમાં સિમેન્ટ પાથરી સીસીરોડમાં ખપાવી દીધા છે. હવે 75થી વધુ રોડની યાદી જોતાં લોકોમાં સૌથી મોટી જાગૃતિ આવી કે, મનરેગા અને નાણાંપંચના તમામ સીસીરોડની ઓળખ કરતાં જાહેર બોર્ડ લગાવવામાં આવે. જો દરેક રોડનુ નામ, તેનો ખર્ચ, લંબાઈ, વપરાયેલ મટીરીયલ, રોડ બનાવનાર એજન્સી, ગ્રાન્ટ આપનાર વિભાગ અને અમલીકરણ કચેરી સહિતની વિગતો દર્શાવતું બોર્ડ લાગે તો કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે. નીચેના ફકરામાં વાંચો કૌભાંડીઓની મોડસ ઓપરેન્ડી.

Devgadh Bariya

સૂત્રોએ જણાવ્યું હતું કે, રોડ કૌભાંડના પાયા અન્ય એજન્સીના મુખિયાના સહકાર પછી બન્યા હતા. ગામમાં અસંખ્ય સીસીરોડ, કૂવા અને સ્ટોનબંધ મનરેગા હેઠળ કરી એક એક વર્ષમાં કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. આ દરમ્યાન ભથવાડા ગ્રામ પંચાયતને નાણાંપંચ હેઠળ પણ લાખોની ગ્રાન્ટ મળી હોવાથી મોટાભાગના કામો સમાંતર લીધા છે. આવી સ્થિતિમાં કાગળ ઉપર અસંખ્ય સીસીરોડ બન્યા પરંતુ જમીન ઉપર રોડની કોઈ ઓળખ ના હોવાથી કૌભાંડીઓને બચવામાં મોકળું મેદાન મળી ગયું છે. નામ ના આપવાની શરતે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, ગામના સામૂહિક વિકાસનો પ્રશ્ન હોવાથી જિલ્લા પંચાયતને રજૂઆત કરી દરેક રોડની ઓળખના બોર્ડ લગાવવા વિનંતી કરીશું, જો જિલ્લામાંથી શક્ય નહિ બને તો દાતાઓના માધ્યમથી મનરેગા તમામ કામોના જાહેર બોર્ડ લગાવવાનો પ્રયત્ન કરીશું એટલે વિકાસના કામોની જાહેર ખરાઇ થાય અને પ્રચાર પ્રસાર પણ થાય, જો ઓળખ જાહેર કરતાં કૌભાંડ મળશે તો કાર્યવાહી માટે પણ સરકારને મદદ મળી શકશે.