રિપોર્ટ@દાહોદ: ભથવાડામાં ભ્રષ્ટાચારની ભાગબટાઈ, મનરેગામાં ભાગીદારીનુ કૌભાંડ વાંચી ચોંકી જશો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
બે દિવસ પહેલાં દેવગઢબારિયા તાલુકાના જે ગામમાં ફળિયાથી વધુ સીસીરોડની ચોંકાવનારી સંખ્યા અને તેના ભ્રષ્ટાચારની વિગતોનું ગામ સામે આવ્યું છે. ભથવાડા ગામમાં મનરેગાના કરારીઓનો ભેગાં મળી ભાગબટાઈનો કિસ્સો રસપ્રદ છે એટલો ચોંકાવનારો પણ છે. મોટાપ્રમાણમાં મટીરીયલના કામો કરી/કરાવી કેટલાક કામો સ્થળ ઉપરથી ઉડાવી ભાગીદારીનુ કૌભાંડ આચર્યું છે. કૂવા, સ્ટોનબંધ, સીસીરોડ સહિતના કામોમાં ખર્ચ પાડી કાગળની હકીકત અને સ્થળ ઉપરની સ્થિતિ જોવામાં આવે તો ખબર પડે કે, નજીવા પગારના કરારી મોંઘીદાટ લાઇફસ્ટાઇલ કેવી રીતે ભોગવતાં થઈ ગયા? આ કામોમાં ભ્રષ્ટાચારની ભયંકર દુર્ગંધ જીઆરએસથી માંડીને તાલુકા સુધી પહોંચી છતાં કોઈ પગલાં લીધા નથી. આખરે સ્થાનિક અરજદારે ગાંધીનગર સ્થિત વડી કચેરીને જાણ કરી તાત્કાલિક અસરથી હાઈ લેવલ તપાસની માંગ કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભલે એકાઉન્ટન્ટ દ્વારા વ્યક્તિગત કામોમાં ટકાવારીનો કિસ્સો ચર્ચામાં રહ્યો હોય પરંતુ દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ અને ભાગીદારીની ભાગબટાઈની વણથંભી વણઝાર વધુ રસપ્રદ છે. ભથવાડા ગામમાં પહેલાં તો મનરેગા અને નાણાંપંચ હેઠળ સીસીરોડ કાગળ ઉપર એટલા બધા બનાવી દીધા કે, ગામમાં એટલા ફળિયા ઓછાં પડે છે. જ્યારે બીજી તરફ કૂવા અને સ્ટોનબંધના કામો ચકાસો તો સ્થળ ઉપર કેટલાક નથી અને જેટલા છે એની ગુણવત્તામાં લાલિયાવાડી છે. મેટ, જીઆરએસ અને ટેકનીકલની સૌથી પહેલી અને પાયાની જવાબદારીવાળા આ કામોમાં ભ્રષ્ટાચારની ભવાઇથી અનેક કામો સ્થળ ઉપરથી ગાયબ છે. આ મામલે સરપંચ અને જીઆરએસને જણાવતાં વારંવાર ચેક કરાવી લેશુ તેમ કહે છે જ્યારે તાલુકામાં જણાવતાં જોવડાવી લેવાનું કહે છે. નીચેના ફકરામાં વાંચો કેવી રીતે આચર્યો ભાગીદારીનો ભ્રષ્ટાચાર
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભથવાડામાં છેલ્લા બે વર્ષના જ મનરેગાના કામો જોવો તો કરોડોનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. હવે જ્યારે કાગળ ઉપર અને ઓનલાઇનના કામો સ્થળ ઉપર ખરાઇ કરો ત્યારે પગ તળેથી જમીન સરકી જાય તેવો કાંડ જોવા મળે તેમ છે. જમીન ઉપરના ત્રણેય કરારી ઉપર તાલુકા અને મટીરીયલ એજન્સીના આશીર્વાદથી ભ્રષ્ટાચારની ભાગીદારી અને તેમાં સફળતા મેળવી શક્યા હશે. આટલુ જ નહિ, જ્યાંથી વાંધો વચકો, વિરોધ, રજૂઆત કે નારાજગી આવે ત્યાં પણ ભેગા થઈને રોકી દેવાની ભવાઇ ભજવાતી હોવાની રસપ્રદ વિગતો સામે આવી છે. આવી સ્થિતિમાં સ્થાનિક અરજદારે ગાંધીનગર ખાતેની ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીએ સાધનિક કાગળો આધારે ધોરણસરની રજૂઆત કરી ગાંધીનગરથી જ તપાસની માંગ કરી છે.