દુર્ઘટના@સુરત: યુવકનું ગેસ લીકેજથી લાગેલી આગ બાદ મોત, જાણો શું થયું હતું ?
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં ગઈકાલે ફ્લેશ ફાયરથી થયેલા મોત બાદ આજે ફરી તેવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં ઓડિશાથી બે દિવસ કામ અર્થે આવેલા યુવકનું ગેસ લીકેજથી લાગેલી આગ બાદ મોત નીપજ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ભગીરથ પાલનું મોત થતાં ઓડિશા રહેતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.
પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા 48 વર્ષે ભગીરથ પાલનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું. આગમાં દાઝી જતા સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ભગીરથ પાલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક મૂળ ઓડિશાનો વતની હતો. બે દિવસ પહેલા જ ભગીરથ વતનથી સુરત કામ અર્થે આવ્યો હતો.
મૃતકના સંબંધી અમિતકુમારએ કહ્યું કે, સવારે સાડા પાંચ વાગ્યે ધડાકાનો અવાજ સંભળાતા અમે ઘરની બહાર નીકળ્યા હતાં. ભગીરથ દરવાજો તોડીને સળગતી હાલતમાં બહાર નીકળ્યો હતો. જેથી અમે તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ભગીરથનું પરિવાર ઓડિશા વતનમાં રહે છે. પરિવારમાં પત્ની અને સંતાનો છે. તેમને મોતની ખબર મળતા જ શોકનો માહોલ ફેલાયો હતો.