ક્રાઇમ@અમદાવાદ: સાબરમતીથી અપહરણ કર્યા બાદ યુવકની હત્યા, લાશને કેનાલમાં ફેંકી, જાણો અહીં

 
Adalaj Cenal

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાંથી બે દિવસ પહેલા એક યુવકનું અપહરણ થયાની ફરિયાદ સાબરમતી પોલીસ ચોપડે નોંધાઈ હતી. ત્યારે હવે આ યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશ અડાલજ કેનાલમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, અપહરણના મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવકની હત્યા કરી લાશ અડાલજ કેનાલમાં ફેંકી દીધી. પોલીસ દ્વારા યુવકના મૃતદેહની શોધખોળ માટે સ્થાનિક તરવૈયા તેમજ ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે.

રાણીપ વિસ્તારમાં રહેતા પુનમસિંહ ગત 7 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસના સુમારે નાસ્તો કરવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ ઘણો સમય થઈ જતા પણ ઘરે પરત આવ્યા નહોતા. જેના પગલે તેના પત્નીએ ફોન કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. પરિણામે પરિવાર અને સ્થાનિક લોકોની મદદથી આસપાસના વિસ્તારમાં પુનમભાઈની શોધખોળ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. જોકે, તપાસ દરમિયાન રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ ન્યૂ રાણીપ સાવન બંગ્લોઝ પાસે તેમની કાર મળી હતી. ત્યારે આ અંગે ત્યાં ઉભેલ રાહદારીને પૂછતા જાણવા મળ્યું કે, કારમાં બેઠેલા ભાઈને અજાણ્યા ત્રણ શખ્સો તેમની સાથે બોલાચાલી કરતા હતા. એટલું જ નહીં તેમની કારમાં બેસાડીને ન્યૂ રાણીપ ખોડિયાર માતાના મંદિર તરફ લઈ ગયા હતા. જેથી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.