દુ:ખદ@સુરેન્દ્રનગર: પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા 25 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધતા બનાવોને કારણે નિષ્ણાંતો પણ ચિંતિત દેખાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરના સુદામડામાં 25 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે આ યુવાન પોલીસ ભરતી દરમ્યાન દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક દોડતા-દોડતા યુવાન રસ્તામાં ઢળી પડ્યો હતો.
વિગતો મુજબ કલ્પેશ સાયલા તાલુકાના ટિટોડા -શખપર પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પ્રાથમિક સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ પર લઈ જતા ડોક્ટરે હાર્ટ એટેકના કારણે મોત થયાનું પરિવારજનોને જણાવ્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટમાં થોડા દિવસ પહેલા એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોના મોત થયા હતા. 26 વર્ષીય કિશન કિરીટભાઇ ધાબલીયા, 40 વર્ષીય રાજેન્દ્રસિંહ ગજુભા વાળા અને 41 વર્ષીય મહેન્દ્ર નાથાભાઇ પરમારને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા