મર્ડર@મોરબી: ફટાકડા ફોડતી વખતે થયેલી માથાકૂટમાં મધ્યસ્થતા કરવા જતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
અટલ સમાચાર, ડેસ્ક
મોરબી શહેરના લાભનગર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજેશ ગઢવી નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત રાજેશ ગઢવીને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ ઇમરજન્સી વોર્ડ તેમજ ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં રાજેશ ગઢવીની સારવાર કરવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન રાજેશ ગઢવીનું મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના ભત્રીજા સિદ્ધાર્થ ગઢવીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, મંગળવારના રોજ મૃતક રાજેશ ગઢવી પોતાના મકાનની બહાર બેઠા હતા. તે સમયે લખમણભાઇ નામના વ્યક્તિના ઘર પાસે વલ્લી નામનો વ્યક્તિ ફટાકડા ફોડી રહ્યો હતો. જે દરમિયાન લખમણભાઇ નામના વ્યક્તિએ વલ્લી નામના વ્યક્તિને ફટાકડા ન ફોડવા જણાવ્યું હતું. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બંને વચ્ચે શરૂ થયેલ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે માટે રાજેશ ગઢવીએ મધ્યસ્થતા કરી હતી. જે મધ્યસ્થતા કરવા જતા વલ્લી નામના વ્યક્તિ દ્વારા રાજેશ ગઢવીને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ તો સમગ્ર મામલે મૃતક રાજેશ ગઢવીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના પીએમ રૂમ ખાતે આવેલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે IPC 302 ની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. આ તરફ ગઢવી પરિવારમાં હાલ દિવાળીના તહેવાર સમયે જ શોકનું મોજુ ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે.