ગંભીર@ગુજરાત: PSI-ASI ભરતીમાં કૌભાંડ ? યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા સનસનીખેજ આરોપ

 
Yuvrajsinh

અટલ સમાચાર, ડેસ્ક

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોલીસ ભરતીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, વર્તમાનમાં કરાઈ સેન્ટર ખાતે સ્કવોડ નંબર 5 ચેસ્ટ નંબર 140, મયુરકુમાર લાલજીભાઈ તડવી ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોવા જેવી વાત એ છે કે, PSI ASIની પ્રિલિમનરી પરીક્ષાનું જે પરિણામ આવ્યું તેમાં આ ભાઈના નામનો કોઈ ઉલ્લેખ નથી. 

આ ઉપરાંત ફિઝિકલ પરીક્ષાનું જે પરિણામ આવ્યું તેમાં પણ આ નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ મુખ્ય પરીક્ષાનું જે રીઝલ્ટ આવ્યું મયુરનું નામ જ નથી. પરંતુ કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારોની યાદીમાં મયુરકુમાર લાલજીભાઈ તડવીનું નામ બોલાય છે અને ટ્રેનિંગ દરમિયાન એક મહિનાનો પગાર પણ લઈ ચૂક્યા છે. છતાં આ વાત કોઈને ધ્યાને આવી નથી કે તેનો કોઈ ખુલાસો કર્યો નથી. મહત્વનું છે કે, યુવરાજસિંહે મયુર તડવીનો કોલ લેટર પણ મીડિયાને બતાવ્યો હતો.

ક્યાંય નામ નથી છતાં કરાઈ ખાતે લઈ રહ્યો છે કાયદાની ટ્રેનિંગ: યુવરાજસિંહ

યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે જણાવ્યું કે, ડીજીપી કાર્યાલયથી એલોટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો છે. જેમાં મયુર તડવીનું નામ પણ દર્શાવવામાં આવેલું છે. આ ઉપરાંત યુવરાજસિંહે કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહેલા જવાનોની તસવીર પણ મીડિયાને બતાવી અને જણાવ્યું કે હાલ કરાઈ ખાતે લૉની ટ્રેનિંગ ચાલી રહી છે અને આ ભાઈ કાયદાનું જ્ઞાન લઈ રહ્યા છે. જેની તસવીર પણ યુવરાજસિંહે મીડિયાને બતાવી હતી.


યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને વધુમાં જણાવ્યું કે, અમે બધા (ફિઝીકલ-મુખ્ય પરીક્ષા) રીઝલ્ટની યાદી તપાસ કરી, જેમાં મયુરકુમાર તડવીનું નામ ક્યાય દેખાતું નથી. જ્યારે અમે વડોદરા પોલીસ સ્ટેશન ખાતે જ્યાંથી બધા ઉમેદવારોને નિમણૂક પત્રો મળ્યા તેની તપાસ કરી તો તેમાં પણ મયુર તડવીનું નામ નથી. નિમણૂક પત્રમાં ત્રીજા નંબરે એક નામ છે વિશાળસિંહ રાઠવા. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આ ભાઈ પાસ થયો છે અને નિમણૂક પત્રમાં નામ છે પરંતુ કરાઈ ખાતે જે ટ્રેનિંગ લઈ રહ્યો છે તે આ નથી પરંતુ મયુરકુમાર તડવી છે. જાડેજાએ જણાવ્યું કે, આ ગંભીર બાબત છે અને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.


યુવરાજસિંહે કર્યા અનેક સવાલ

મયુરકુમાર તડવી પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી કેવી રીતે પહોંચ્યો? આ ભાઈને કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે એન્ટ્રી કેવી રીતે મળી? માની લો કે, આ ભાઈના ડોક્યુમેન્ટ સાથે ટેમ્પરિંગ કર્યું હોય તો જ્યારે કરાઈ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફાઈ થયા ત્યારે તાલિમ કેન્દ્રના ઉચ્ચ અધિકારી ભરતીબોર્ડના ચેરમેન વિકાસ સહાય હોય ત્યારે તેના ડોક્યમેન્ટ ક્રોસ વેરિફાઈ કેમ ન થયા? કારણ કે આ ભાઈ હાલ કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે.

યુવરાજસિંહે મીડિયા સામે જણાવ્યું કે, આ કોઈ સહજતાથી કરેલી ભૂલ નથી. આ અધિકારીઓની મિલિભગતથી જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે. શંકાની સોય પોલીસ વિભાગની કચેરીના ઉચ્ચ અધિકારી અને બિરસા મુંડા ભવન ખાતેના ઉચ્ચ અધિકારીઓ પર છે. તેમની મિલિભગતથી આ કૃત્ય શક્ય છે. નહીંતર મયુરકુમાર તડવીને કઈ રીતે ખબર પડે કે મારે આ લેટર લઈ જવાનો છે અને હું આ લેટરમાં છેડછાડ કરીશે તો મને સીધી જ કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી મળી જશે, અને એવું નથી કે આ ભાઈ હમણા જ લાગ્યા હોય. તે છેલ્લા એક મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. એટલે કે કોઈ અધિકારીની છત્રછાયા વગર આટલી મોટી ભૂલ શક્ય નથી.