ગુજરાતનુ રેકોર્ડબ્રેક 64.11 ટકા મતદાનઃ ગત લોકસભાનો આંકડો કુદાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં ૧૭મી લોકસભા માટે ૨૩મીએ યોજાયેલા મતદાને પાછલા 52 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વખતે 64.11 ટકા મતદાન થયુ છે, જ્યારે 1967માં 63.77 ટકા મતદાન થયુ હતું. 2014ની મોદીની લહેર વખતે પણ 63.6 ટકા મતદાન થયુ હતું. જો કે જાણકારોનું કહેવુ છે કે બમ્પર મતદાનથી એ પરિણામ કાઢવું ઉતાવળુ બનશે. વલસાડમાં સૌથી
 
ગુજરાતનુ રેકોર્ડબ્રેક 64.11 ટકા મતદાનઃ ગત લોકસભાનો આંકડો કુદાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં ૧૭મી લોકસભા માટે ૨૩મીએ યોજાયેલા મતદાને પાછલા 52 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વખતે 64.11 ટકા મતદાન થયુ છે, જ્યારે 1967માં 63.77 ટકા મતદાન થયુ હતું. 2014ની મોદીની લહેર વખતે પણ 63.6 ટકા મતદાન થયુ હતું. જો કે જાણકારોનું કહેવુ છે કે બમ્પર મતદાનથી એ પરિણામ કાઢવું ઉતાવળુ બનશે. વલસાડમાં સૌથી વધુ 75.21 ટકા તો અમરેલીમાં ઓછુ 55.75 ટકા મતદાન થયુ છે. તે પછી બારડોલી 73.57 ટકા, છોટા ઉદેપુર 73.44 ટકા અને ભરૂચ 73.21 ટકા છે. રેકોર્ડ વોટીંગથી કોઈ અર્થ નથી નિકળતો. એ અંદાજ બાંધવો ખોટો રહેશે કે વધુ વોટીંગનો લાભ ભાજપને મળશે. જો ગ્રામિણ વિસ્તારોમાં શહેરો કરતા વધુ વોટીંગ હોય તો સામાન્ય રીતે તેનો લાભ કોંગ્રેસને થાય છે.

આદિવાસી, દલિત, મુસ્લિમ પહેલેથી જ કોંગ્રેસના વોટર રહ્યા છે. વોટીંગની ટકાવારીથી જણાય છે કે આ વખતે ભાજપને તમામ 26 બેઠકો નહી મળે. કારણ કે વોટીંગ પેટર્ન 2014ની સરખામણીએ બદલાયુ છે. વિશ્લેષકોના મતે કોંગ્રેસને 8 થી 10 બેઠકો મળશે. આ વખતે કચ્છ, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, જૂનાગઢ, વડોદરા, ભરૂચ અને બારડોલીમાં મહિલા મતદારોની સંખ્યા ઘટી હતી. ગુજરાતના મતદારોએ લોકસભા ચૂંટણી 2019માં 64.11 ટકા મતદાન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજયમાં સૌથી વધુ મતદાન 1967ની લોકસભા ચૂંટણીમાં 63.77 ટકા નોંધાયું હતું, જે રેકોર્ડ ૨૦૧૯માં ગુજરાતના મતદારોએ તોડી નાખ્યો છે. છેલ્લી 2014ની લોકસભા ચૂંટણીમાં રાજયમાં 63.66 ટકા મતદાન નોંધાયું હતું.

2014ના મતદાનની સરખામણીમાં જોઈએ તો રાજયમાં બનાસકાંઠા બેઠક પર 6.15 ટકા વધુ મતદાન થયું છે, જયારે કચ્છમાં 3.56 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક એવી છે જયાં 2014 જેટલું જ એટલે કે 65.57 ટકા મતદાન નોંધાયું છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં તમામ 26 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચ દ્વારા 24 એપ્રિલ, 2019ના રોજ મતદાનના જાહેર કરાયેલા અંતિમ આકડા મુજબ રાજયમાં સરેરાશ 64.11 ટકા મતદાન નોંધાયું હતું. રાજયમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 75.21% નોંધાયું છે, જયારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 55.75 ટકા નોંધાયું છે.

શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું

રાજયમાં શહેરી વિસ્તારો ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 2019ની ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2014ની સરખામણીએ જોઈએ તો શહેરી વિસ્તારોની બેઠકો અમદાવાદ(પૂર્વ)(-0.26%), અમદાવાદ (પશ્ચિમ) (-2.56%), વડોદરા (-3.08), ગાંધીનગર(૦%), મહેસાણા (-1.66%), રાજકોટ (-0.74%)નો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં મતદાનમાં ઘટાડો ભાજપની ચિંતામાં વધારો કરી શકે છે.

ગ્રામીણ-આદિવાસી વિસ્તારોમાં મતદાન વધ્યું

શહેરોની સરખામણીએ રાજયની ગ્રામીણ-આદિવાસી વિસ્તારો ધરાવતી બેઠકોમાં મતદાનમાં વધારો જોવા મળ્યો છે. રાજયમાં વલસાડ બેઠક પર સૌથી વધુ 75.21% મતદાન નોંધાયું છે અને તેમાં પણ 2014ની સરખામણીએ 0.93 ટકાનો વધારો નોંધાયો છે. અહીં, આદિવાસી મતોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત બનાસકાંઠા(6.15%), પાટણ(3.24%), અમરેલી(1.28%), પંચમહાલ(2.43%), દાહોદ(2.33%), છોટાઉદેપુર(1.73%), પોરબંદર(4.17%), જામનગર(2.71%) અને સુરેન્દ્રનગર(0.78%) જેટલું 2014ની સરખામણીએ વધુ મતદાન થયું છે. સ્થાનિક સ્વરાજની છેલ્લી ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે અનેક પંચાયતો કબ્જે કરી હતી. એટલે, આ વખતે લોકસભામાં થયેલું વધુ મતદાન કંઈક નવા-જૂની સર્જી શકે છે.

ગાંધીનગર બેઠક પર કોઈ વધારો નહીં

ભાજપનો ગઢ ગણાતી અને અત્યંત હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગરમાં મતદાનના આંકડામાં 2014ની સરખામણીમાં કોઈ પણ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. અહીં, 2014ની ચૂંટણીમાં 65.57% મતદાન થયું હતું અને આ વર્ષે 2019ની ચૂંટણીમાં પણ 65.57% મતદાન નોંધાયું છે. ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન ધારાસભ્ય સી.જે.ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. હાઈપ્રોફાઈલ હોવાને કારણે આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. અગાઉ, ભાજપના લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે.