ગુનો@વડોદરા: મુંજમહુડામાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા

 
અકસ્માત
અકસ્માત બાદ કારના આગળના ભાગે બાઇક ફસાઇ જતા તે પણ ઢસડાઇ હતી. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

​​​​​​

વડોદરાના મુંજમહુડા વિસ્તારમાં આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક સવાર દંપતી કારની ટક્કરે ફંગોળાયું હતું. આટલો ગંભીર અકસ્માત સર્જયા બાદ કાર ચાલકે ઉભા રહેવાની જગ્યાએ તે સ્થળ પરથી નાસી છુટ્યો હતો. અકસ્માત બાદ કારના આગળના ભાગે બાઇક ફસાઇ જતા તે ઢસડાઇ હતી. આ ઘટનામાં મહિલાને ઇજાઓ પહોંચતા તેણીને હોસ્પિટલ લઇ જવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

 

આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલો બિંદાસ્ત રીતે ચાલક બાઇકને કાર આગળ ઢસડીને જઇ રહ્યો છે.વડોદરામાં ફિલ્મી સ્ટાઇલે  હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાના મુંજમહુડા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિર પાસેથી દંપતી બાઇક પર જઇ રહ્યું હતું. તેવામાં દંપતીની બાઇકને કારની ટક્કર લાગતા બંને ફંગોળાયા હતા. આ ઘટનામાં દંપતી પૈકી મહિલાના પગે ઇજાઓ પહોચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આટલી ગંભીર ટક્કર લાગ્યા બાદ કાર ચાલકે ઇજાગ્રસ્તોની મદદ કરવાની જગ્યાએ ત્યાંથી નાસી છુટ્યો હતો.પીઆઇ એસ. એમ. સગરે જણાવ્યું કે, કાર ચાલકનું નાન કંવરલાલ બલવિંદરસિંગ સુંદા (રહે. મકરપુરા) છે. તેેણે પ્રાથમિક રીતે ડ્રિંક કર્યું હોય તેવું લાગે છે. કાર અને બાઇકનો મુંજમહુડા ચોકડી પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે અકસ્માત થતા બાઇક સવાર ફંગોળાયા હતા. જે બાદ ભાગવા જતા કારના આગળના ભાગે બાઇક ફસાઇ ગયું હતું. અને બાઇક કેટલાક અંતર સુધી ઘસડાયું હતું. કાર ચાલકને પોલીસે પકડી લીધો છે.

 

હાલમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને અકસ્માત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં બાઇક સવાર પૈકી મહિલાના પગે ઇજાઓ પહોંચી છે. હાલ મહિલા હોસ્પિટલમાં છે. અને પોલીસ પણ તેમની સાથે હોસ્પિટલમાં છે.ગાડીમાંથી બોટલ મળવા અંગે વધુ તપાસ હાલ ચાલી રહી છે.