ગુનો@અમદાવાદ: લાઈટ બિલને આધારે અરજી તૈયાર કરી આધાર કાર્ડ કઢાવવાના કૌભાંડમાં બે બાંગ્લાદેશી અને એજન્ટની ધરપકડ

 
આધાર કાર્ડ

પ્રાથમિક તપાસમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે.

અટલ સમાચાર ડોટ કોમડેસ્ક

બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘુષણખોરી કરીને દેશમાં કાયમી રહેવા માટે બનાવટી દસ્તાવેજોને આધારે આધાર કાર્ડ કઢાવવાના કૌભાંડનો સોલા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે એક બાંગ્લાદેશી યુવતી અને યુવક તેમજ રૂપેશ જૈન નામના એજન્ટની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે.

 

ગોતામાં આવેલા મહેસૂલી ભવનમાં ઘાટલોડિયાના સીટી મામલતદાર તરીકે ફરજ બજાવતા રોનકભાઈ પટેલે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ તેમને સીટી સેન્સસ ઓફિસથી પત્ર મળ્યો હતો. જેમાં રજૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્ડના નંબરના આધારે મતદારનું નામ અને સરનામુ મેળવવા માટે જાણ કરવામાં આવી હતી. જેના આધારે જાણવા મળ્યું હતું કે મહોમ્મદ સુમન હૌસેન (રહે. ઇન્દિરા વસાહત, ચાકયપુરી)એ નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જેમાં પુરાવા માટે પાન કાર્ડ અને લાઇટ બિલ રજૂ કર્યું હતું.

 

આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર એચ સોંલકીએ જણાવ્યું કે એજન્ટે બનાવટી દસ્તાવેજોથી અનેક બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અપાવ્યાની આશંકા છે. હાલ બાંગ્લાદેશી યુવક-યુવતી અને એજન્ટ રૂપેશ જૈનની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.