આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

શંખેશ્વરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા હેઠળ સૌપ્રથમ કેસ નોંધાતા હડકંપ 

શંખેશ્વર પોલીસ મથકે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા હેઠળ સૌપ્રથમ કેસ નોંધાયો છે. આ કેસમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આરોપી ઇસમે ગૌચરની જમીન પચાવી પાડી તેમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કર્યુ હોવાનું ખુલ્યુ છે. અગાઉ પાટણ SOGની ટીમે શંખેશ્વર તાલુકાના ગામેથી ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપી પાડ્યુ હતુ. જે બાદમાં પોલીસ તપાસમાં ઇસમે ગૌચરની જમીન પચાવી પાડી અફીણનું વાવેતર કર્યાનું ખુલતાં તેની સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુનો નોંધવા કલેક્ટરમાં રજૂઆત કરી હતી. જે બાદમાં કલેક્ટરના આદેશ બાદ શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ ઇસમ વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબ ગુનો નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકામાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાનો પ્રથમ ગુનો નોંધાયો છે. વિગતો મુજબ ગત તા.25 માર્ચ 2021ના રોજ પાટણ SOGએ તાલુકાના જેસડા ગામે રેઇડ કરી હતી. જેમાં નરસંગભાઇ ગગાભાઇ રથવી ગામના પાટીયા પાસે આવેલા ઓટો ગેરેજના પાછળના ભાગે અફીણનું વાવેતર કર્યાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે 31.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેની સાથે નાર્કોટીક્સની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ તરફ પોલીસ તપાસમાં જે જમીનમાં અફીણનું વાવેતર ઝડપાયુ હતુ તે જમીન ગૌચરની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી તત્કાલિન PI આર.એમ.વસાવાએ ઇસમ વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબ કાર્યવાહી કરવા કલેક્ટરમાં અરજી કરી હતી.

File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કલેક્ટર દ્રારા જીલ્લા સમિતિની બેઠકમાં તપાસ કરવા આદેશ આપ્યો હતો. જે બાદમાં ડી.આઇ.એલ.આર પાટણ દ્રારા સ્થળ તપાસ કર્યા બાદ તે જમીન ગૌચરની હોવાનું ખુલ્યુ હતુ. જેથી રથવી નરસંગભાઇ ગગાભાઇ જેસડાએ ગૌચરની જમીનમાં અનઅધિકૃત દબાણ કર્યુ હોવાનું સ્પષ્ટ થતાં તેની સામે ગુનો દાખલ કરવા તાલુકા વિકાસ અધિકારી બી.જી.રબારીને ફરીયાદ નોંધાવવા 13/08/2021થી હુકમ કરાયો હતો. જેને લઇ જાહેર રજાઓ અને લેન્ડ ગ્રેબીંગનો પ્રથમ કેસ હોઇ વડી કચેરીથી માર્ગદર્શન મેળવી તાલુકા વિકાસ અધિકારીએ આરોપી સામે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

સમગ્ર મામલે શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારી બાબુભાઇ રબારીએ આરોપી ઇસમ વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદોની કલમ 4 (3),5, આઇપીસી 447 અને જીપીએ કલમ 120 મુજબ ગુનો નોંધાવ્યો છે. જેને લઇ હવે સમગ્ર કેસની તપાસ હાલ નાયબ પોલીસ અધિક્ષક હરદેવસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે. આ તરફ ખેતરમાંથી પ્રથમ અફીણનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયા બાદ પોલીસ તપાસમાં જમીન ગૌચરની હોવાનું ખુલ્યા બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ મુજબ ગુનો નોંધાતાં હડકંપ મચી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code