સાવધાનઃ શું તમે બજારમાં મળતો તૈયાર પેકેટ વાળો ઘઉંનો લોટ વાપરો છો? આ પ્રકારની થશે બિમારી
wheat-

અટલ સમાચાર, ડેસ્ક

એક સમયે લોકો વર્ષનું અનાજ ભરીને રાખતા, અને દર મહિને તેને દળીને ખાતા હતા. પરંતુ હવે લોકો દર મહિને દળેલો લોટ તૈયાર લઈને ખરીદે છે. બજારમાં તૈયાર પેકેટમાં મળતા ઘઉંના લોટ તેમજ મેંદાનો વપરાશ કરતા લોકો માટે ચોંકાવનારૂ સંશોધન સામે આવ્યુ છે. પેકિંગમાં મળતા ઘઉંના લોટ અને મેંદામાં બેન્ઝાઈલ પેરોક્સાઈડની વધુ માત્રા મળી આવી છે. આ બેન્ઝાઈલ પેરોક્સાઈડની વધુ માત્રા લિવરની ગંભીર બીમારીને આમંત્રણ આપે છે.

પેકિંગમાં આવતા ઘઉંના લોટ અને મેંદામાં બેન્ઝાઈલ પેરોક્સાઈડનો 40 મીલિગ્રામ/કિલો સુધી ઉપયોગ કરી શકાય છે. જો કે GTU ની લેબમાં કરાયેલા પરીક્ષણમાં બેન્ઝાઈલ પેરોક્સાઈડનું પ્રમાણ 40 મિલિગ્રામ/ કિલોના બદલે 200 મીલિગ્રામ/ કિલો મળી આવ્યું છે. આ પ્રકારની ચકાસણી કરી શકાય એ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના (જીએસપી) આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની મનાલી મહેન્દ્રસિંહ પવાર દ્વારા પેકિંગ ઘંઉના લોટ અને મેદાની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પેકિંગમાં મળતા ઘઉંના લોટ અને મેંદાને લાંબો સમય બગળતો અટકાવવા માટે તેમાં ભેળવવામાં આવતા બેન્ઝાઈલ પેરોક્સાઈડના વધુ પ્રમાણથી લિવરની ગંભીર બીમારી થવાનું તારણ રજૂ કરાયું છે. વિદ્યાર્થીની મનાલી મહેન્દ્રસિંહ પવારે કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ ગાઈડલાઈન પ્રમાણે, હાઈપર્ફોમન્સ થીન લેયર ક્રોમોટોગ્રાફી(HPTLC) મેથડ વિકસાવીને બજારમાંથી મળતાં વિવિધ કંપનીઓના પેકિંગ ઘંઉના લોટ અને મેદાના સેમ્પલ પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. કોઈપણ સેમ્પલ લાવે તો એક કલાકમાં અમે તેમાં કેટલું બેન્ઝાઈલ પેરોક્સાઈડ ઉમેરવામાં આવ્યું છે તે જાણી શકીએ છીએ. અમે જે તારણ આપ્યું છે એના માટે જુદી જુદી જાણીતી બ્રાન્ડના 20 જેટલા પેંકિંગમાં મળતા ઘઉંના લોટ અને મેંદા પર સંશોધન કરાયું છે.


GTU ના કુલપતિ નવીન શેઠે આ અંગે વાત કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં પેકિંગવાળા ખોરાકો અને તેની સાચવણી માટે જરૂરીયાતથી વધુ માત્રામાં રસાયણિક તત્વોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે આવા ખોરાક અખાદ્ય બની જતો હોય છે. બેન્ઝાઈલ પેરોક્સાઈડના મળેલા વધુ પ્રમાણ અંગે અમે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને જાણ કરીશું, જેથી કેટલીક બ્રાન્ડ કે જેમાં બેન્ઝાઈલ પેરોક્સાઈડનું પ્રમાણ જરૂર કરતા અનેકગણું વધારે છે તેમની સામે તપાસ થઈ શકે અને લોકોને બચાવી શકાય.

 

તેમણે વધુમાં કહ્યું કે, દરેક પેકિંગમાં મળતી ચીજવસ્તુની ગુણવત્તા સંદર્ભે, જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઈન્ડિયાની (FSSAI) ગાઈડલાઈન પ્રમાણે ઘંઉના લોટ કે મેંદાની શ્વેતતા (વાઈટનેસ) અને ગુણવત્તા જળવાઈ રહે તે અર્થે 40 મીલિગ્રામ/કિલોથી ઓછી માત્રામાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” મિશ્રણ કરી શકાય છે. જીટીયુ ફાર્મસી દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન 20% જેટલા સેમ્પલમાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” 40 મીલિગ્રામ/કિલોથી વધુ પ્રમાણ જોવા મળ્યું છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થોના ઉપયોગથી લોટમાં રહેલા વિટામીન અને પ્રોટીન તેમજ લિવર સંબધીત ગંભીર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. આગામી દિવસમાં જાહેર જનતાને પણ તેમના લોટ અને મેદાની ગુણવત્તા ચકાસણી સંદર્ભે જીટીયુ ફાર્મસી કેમ્પસ ગાંધીનગર ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે.