આરોગ્ય@શરીર: હાર્ટ એટેક આવવાના બનાવો વધી ગયા છે,તેના જોખમને ઘટાડવા આ આદતો અપનાવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આપણને રોજે રોજ હાર્ટ એટેકની ઘટના વિશેના સમાચાર મળતા હોય છે. અને આમ જોઈએ તો આવી ઘટનાઓ વધી રહી છે. પરંતુ હાર્ટ એટેક આવવાના ઘણા કારણો છે અને તેમાં પણ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી ગયા છે. આજે આપણે જાણીએ હાર્ટ એટેક આવવાના કારણો અને તેના ઉપાયો વિશે.સૌથી પહેલુ જો કોઈ કારણ હોય તો તે છે આપણો અનિયમિત આહાર અને જીવન શૈલી.જેના કારણે કોલેસ્ટ્રોલમાં સતત વધારો થાય છે. બીજુ કામ અથવા અન્ય કોઈ રીતે આપણે સતત સ્ટ્રેસમાં રહેતા હોવાના કારણે હાર્ટ એટેક આવે છે. જેમા માનસિક તણાવયુક્ત જીવનશૈલીના કારણે હાર્ટએટેક આવવાની સંભાવના રહે છે.
આ ઉપરાંત સતત વધતું વજન પણ હાર્ટ એટેક માટેનું કારણ બની શકે છે. એટલે તેના માટે પ્રોપર ડાયટ સાથે ખોરાક લેવો જોઈએ. હાર્ટ એટેકને રોકવા માટે બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવુ ખુબ જ જરુરી છે. ખાંડ સફેદ ઝેર સમાન છે તેથી જેટલુ બને તેટલુ ખાંડને અવગણવાનું શરૂ કરો.આ ઉપરાંત સમયે સમયે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જોઈએ. આવી સ્થિતિમાં શરીરની તપાસ કરાવતા રહેવી જોઈએ. જેમાં તમારે કોલેસ્ટ્રોલ, શુગર, વજન, લીવરની સ્થિતિ વિશે જાણકારી રાખવી જોઈએ તેના રિપોર્ટ પણ કરાવવા જોઈએ. તેમાં કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક સમયસર ઈલાજ કરાવવો જોઈએ.