દુર્ઘટના@આણંદ: સરકારી દવાખાના નજીક વળાંક પર અચાનક ટેમ્પો પલટી જતાં ચાલકનું મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. બોરસદ તાલુકાના રાસ ગામમાં આવેલ સરકારી દવાખાના નજીકના વળાંક પર એક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયેલ ચાલકનું કરૂણ મોત નિપજ્યું છે. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદમાં આવેલ અંબેકૃપા સોસાયટીમાં રહેતાં 35 વર્ષીય સંદિપ શાંતીલાલ રાણા બોરસદ-રાસ રૂટ પર ટેમ્પોના ફેરા મારી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ગતરોજ સાંજના સમયે આ સંદિપને રાસ ગામના એક ખેતરમાંથી ટામેટાં ભરીને બોરસદ પહોંચાડવાની વર્ધી મળી હતી. જેથી સંદિપભાઈ પોતાનો ટેમ્પો માં ટામેટાં ભરીને બોરસદ જવા નીકળ્યાં હતાં. મોડી સાંજના સમયે તેઓ રાસ સરકારી દવાખાના નજીકથી પસાર થતાં હતાં. તે વખતે ત્યાં વળાંકમાં સંદિપભાઈએ એકાએક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં, ટેમ્પો પલટી ગયો હતો.
આ અકસ્માતમાં ટેમ્પો નીચે દબાઈ જવાથી ચાલક સંદિપભાઈને છાતી તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાસ સરકારી દવાખાનામાં લઈ જવાયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રીફર કરાયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ સંદિપ શાંતીલાલ રાણા ને મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે વિરસદ પોલીસે ટેમ્પોના મૃત ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, કાર્યવાહી હાથ ધરી છે.