અરેરાટી@કચ્છ: ખાવડા-ભુજ હાઈવે પર લોહીયાળ અકસ્માત, એક જ પરિવારના 7 સભ્યોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈ-વે પર શનિવાર રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ઉત્તરાખંડના એક આર્મી પરિવારના 7 સભ્યોનાં મોત નીપજ્યાં છે. ખાવડા નજીક વેકરિયાના રણ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર અને કાર વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેના બે ટુકડા થઈ ગયા હતા.મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરાખંડનો એક આર્મી પરિવાર કચ્છ ફરવા માટે આવ્યો હતો. શનિવારે રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં આ પરિવાર કારમાં સવાર થઈને ખાવડાથી ભુજ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન વેકરિયા નજીક સામેથી આવતા એક ટ્રેલર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે પડીકું વળી ગઈ હતી અને રસ્તા પર મૃતદેહો વિખેરાયેલા પડ્યા હતા.આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના સાતેય સભ્યોનાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની માત્ર 3 મહિનાની માસૂમ બાળકી ઉપરાંત પિતા-પુત્રી અને માતા-પુત્રીનો સમાવેશ થાય છે. અકસ્માતને પગલે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

