હડકંપ@સાબરકાંઠા: આદીજાતીની હોસ્ટેલમાં બટાડા ડુંગળી સહિતની ખરીદી મોંઘાદાટ ભાવે, ટેન્ડરમાં એજન્સી સેટ કરી કે કરાવી?

 
કૌભાંડ
ટેન્ડર એક કરોડથી વધુ કિંમતનું છે ત્યારે 2 એજન્સી વચ્ચે ટેન્ડર માટે હરિફાઈ થઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીકની આદીજાતી શાળાના આચાર્યે ખૂબ મોંઘા ભાવે અનાજ કરિયાણાની વસ્તુઓ ખરીદવા ટેન્ડરને સ્વિકાર્યું તેની તપાસ કાચબા ગતિએ આગળ વધી રહી ત્યારે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં જે એજન્સીને અતિ ઉંચા ભાવે વર્ક ઓર્ડર આપ્યો તે જ એજન્સી સાબરકાંઠા જિલ્લાની આદીજાતી શાળાના હોસ્ટેલમાં શાકભાજી સહિતની ચીજવસ્તુઓ આપવા ફાઇનલ થઇ છે. અહિં ખેડબ્રહ્મા તાલુકાની શાળામાં જે પ્રમાણે ભાવો સામે આવ્યા તે જાણી પગ તળે જમીન સરકી જાય તેવા મોંઘા ભાવે ખરીદી કરવા વેપાર નક્કી થયો છે. બટાકા ડુંગળી સહિતના પ્રતિ કીલો ભાવો આસમાને નહિ પરંતુ તેનાથી પણ અતિ ઉંચા નક્કી થયા છે ત્યારે એજન્સી સેટ થઇ કે સેટ કરાવી તે સૌથી મોટો સવાલ બન્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ગુજરાતમાં પ્રમુખ નામની એજન્સી અનાજ કરિયાણા, શાકભાજી સહિતની ચીજવસ્તુઓ મોટાપ્રમાણમાં સરકારને ટેન્ડર મારફતે આપી વેપાર કરી રહી છે. જેમા બનાસકાંઠા જિલ્લાની જગાણા ખાતે આવેલ આદીજાતી શાળાના હોસ્ટેલમાં અનાજ કરિયાણાની ચીજવસ્તુઓના ટેન્ડરમા ભયંકર સેટિંગ્સ થયાનો રિપોર્ટ આવતાં ટ્રાયેબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ કંઈક આવી પરિસ્થિતિ હોવાનું ચર્ચામાં આવતાં જે ચકાસવામાં આવ્યું તે પણ તપાસ હેઠળ આવે તેવી સ્થિતિ છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અઘીયા ગામ નજીકની આદીજાતી શાળાના હોસ્ટેલ માટે શાકભાજી ખરીદવા ટેન્ડર થયું હતુ. આ ટેન્ડર એક કરોડથી વધુ કિંમતનું છે ત્યારે 2 એજન્સી વચ્ચે ટેન્ડર માટે હરિફાઈ થઈ હતી. GEM/2026/B/7584193 બીડ નંબરથી થયેલ ખરીદીના વર્ક ઓર્ડરમા પ્રમુખે બટાકા ડુંગળી સહિતની શાકભાજીના જે ભાવો ઓફર કર્યા તે છૂટક બજાર કરતાં પણ અતિ ઉંચા છે. હોલસેલ માર્કેટમાં બોલાતા ભાવ કરતાં સરેરાશ ડબલથી વધુ હોવાથી છૂટક બટાકા સહિતની શાકભાજી સસ્તી હોવાનું સાબિત થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં પ્રમુખ જનરલ ટ્રેડર્સ અને સપ્લાયર્સ એજન્સી ટેન્ડરના આર.એ દરમ્યાન હોય છે ત્યાં અન્ય એજન્સીઓ પણ કોના દોરીસંચારમાં હોય છે તે તપાસ કરવા યોગ્ય છે. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતની અનેક આદીજાતી વિકાસની શાળાના હોસ્ટેલમાં અનાજ કરિયાણા, શાકભાજી સહિતની ચીજવસ્તુઓનો વેપાર પ્રમુખ નામની એજન્સીને મળ્યો છે ત્યારે ટેન્ડરમા હરિફાઈ કેટલી પારદર્શક હતી ? હરિફ એજન્સીઓ નામ માત્રની હતી કે કેમ? ખરીદનાર આચાર્ય કેમ બજાર સ્થિતિનો અભ્યાસ સચોટ રીતે કર્યા વિના અતિ ઉંચા ભાવે ખરીદી કરવા તલપાપડ બને તે તમામ બાબતોની ઉંડાણપૂર્વકની સરકારી એજન્સી મારફતે તપાસ થાય તો બાહુબલીઓના પગ તળે રેલો આવે તેમ છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની એક નહિ પરંતુ અન્ય શાળામાં પણ ખૂબ ઉંચા ભાવે અનાજ કરિયાણાની ખરીદી થઈ હોવાની જાણ પ્રાયોજના વહીવટદારને થવા છતાં મૌન ધારણ કરેલ છે.