હડકંપ@શંખેશ્વર: માટી ચોરી શોધીને મામલતદારે કંઈ ના કર્યું, ઉઘાડું પડતાં જોયા જેવી થઈ

 
Shankheshvar
મામલતદાર કટારીયાને પૂછતાં જે ઘટસ્ફોટ થયો તે જાણીને ચોંકી જશો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


શંખેશ્વર મહેસુલી હદ વિસ્તારમાં કેટલાક સમય અગાઉ માટી ચોરીની એક ઘટના મામલે તલાટી અને મામલતદારને જાણ થઇ હતી. તલાટી અને મામલતદારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં માટી ચોરી નોંધી પણ હતી. આ પછી જાણે કોઈને ખબર નહિ હોય અને સૌ ચુંટણીમાં વ્યસ્ત હોય તેમ મામલતદારે પણ માટી ચોરીમાં કાગળ ઉપર કંઈ કરવાને બદલે રૂટિન ફરજમાં લાગી ગયા હતા. હવે આ બાબતે શું કાર્યવાહી થઈ તેના જવાબમાં તલાટી કહે, બધું બંધ કરાવ્યું હતું અને મામલતદારે સ્વિકાર્યું કે, માટી ચોરી હતી પરંતુ થોડી જ હતી અને ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પત્ર ઉપર  કાર્યવાહી નથી એટલે હવે કરીશું. આ ઘટનાક્રમનો સીધો મતલબ થાય કે, ઉઘાડું પડ્યું એટલે હવે ખાણખનીજને જાણ કરવાનું અને પત્ર ઉપર લેવાનું યાદ આવ્યું. માટી ચોરીની આ ઘટના આટલી નથી, તંત્રને જાણ થાય અને મગજમાં નોંધ પણ લે પરંતુ પછી શું થાય છે તેની એક રસપ્રદ કહાની જાણીએ.

 

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર અને સુરેન્દ્રનગર જિલ્લાના સુરેલ ગામ નજીક એક ઔદ્યોગિક સાઇટ ઉભી થઇ રહી છે‌. આ કુંવર ગામ પાસેથી કેટલાક સમય અગાઉ ખૂબ મોટી માત્રામાં સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન થયું હતુ. આ ગેરકાયદેસર ખનન પછી સરકારી જમીન ઉપરની આ માટી સદર ઔદ્યોગિક સાઇટ ઉપર પહોંચી હોવાની બૂમરાણ છે. જોકે આ ગેરકાયદેસર ખનન દરમ્યાન સ્થાનિક જાગૃત નાગરિકો મારફતે વાત ફેલાઇ હતી. આ પછી શંખેશ્વર મામલતદાર બી.ડી કટારીયાને પણ જાણ થતાં એક નહિ બે વખત ગેરકાયદેસર ખનનવાળી જગ્યાએ પહોંચી તપાસ કરી હતી. આ ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં કાગળ ઉપર કાર્યવાહી નહિ થતાં શંકાસ્પદ થયાની બુમ છે. આથી સદર ગેરકાનૂની ખનન મામલે એક તલાટી કમ મંત્રીને પૂછતાં જણાવ્યું કે, સરેરાશ 300 ટર્બા ખનન થયું છે અને મામલતદારે તપાસ પણ કરી છે. આથી મામલતદાર કટારીયાને પૂછતાં જે ઘટસ્ફોટ થયો તે જાણીને ચોંકી જશો. મામલતદાર કટારીયા કહે છે થોડું જ ખનન છે અને રહી વાત કાર્યવાહીની તો અમે ચૂંટણીમાં હતા. હવે નીચેના ફકરામાં વાંચો મામલતદાર કટારીયાની વધુ વાત.

 

સમગ્ર મામલે શંખેશ્વર મામલતદાર કટારીયાએ સ્વિકાર્યું કે, ગેરકાયદેસર માટી ખનન થયું પરંતુ કાગળ ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી કરી? 2 વખત મુલાકાતે જવાનો સમય મળ્યો તો પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીને એક પત્ર લખવાનો સમય કેમ ના મળ્યો ? ગેરકાયદેસર ખનનવાળી જગ્યાએ જવા આવવા 2 કલાક સમય મળ્યો તો ભૂસ્તરશાસ્ત્રી કચેરીને એક ફોન કરવાનો સમય કેમ ના મળ્યો? થોડી માટી ઉઠાવી એમ કહીને શું ખનીજ માફિયાને માફ કરવા કાગળ ઉપર કંઈ ના કર્યું? તલાટી કહે 300 ટર્બા માટી ચોરાઇ તો મામલતદાર કટારીયાને આટલા ટર્બા ચોરાય તો પણ થોડાં લાગે છે ? કુંવર ગામ પાસેની આ માટી ચોરીની ઘટના મામલતદારથી અટકતી નથી ખનીજ માફિયાઓએ સેટિંગ્સ માટે કરેલા ચોંકાવનારા પ્રયત્નોનો ઘટસ્ફોટ બીજા રીપોર્ટમાં કરીશું.