હુકમ@સીંગવડ: મનરેગા કૌભાંડની તપાસ માટે દિલ્હીથી આદેશ, સચિવ તૈયાર કરશે રીપોર્ટ, અટલ સ્પેશ્યલ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં મહાભયંકર કૌભાંડના સીલસીલેવાર અહેવાલની અસર ભલે ટીડીઓ અથવા ડીડીઓ કક્ષાએ નથી થઈ. જોકે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલની ઈમેલ આધારે દિલ્હી જાણ થતાં મોટી અસર સામે આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના મનરેગા યુનિટના સચિવે અટલ રિપોર્ટ આધારે ગુજરાતના સચિવને પત્ર લખ્યો છે. જેમાં એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરી દિલ્હી સ્થિત મનરેગાના સચિવને જણાવ્યું છે. દાહોદના કોઈપણ તાલુકામાં લગભગ આ પ્રથમ કિસ્સો હોઈ શકે કે, જેમાં દિલ્હીથી મનરેગા સચિવે ગુજરાતના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવને પત્ર લખી રીપોર્ટ કરવા કહ્યું હોય. જાણીએ સીંગવડ મનરેગા મહા કૌભાંડના અહેવાલની ઈમ્પેક્ટનો આ સ્પેશ્યલ રીપોર્ટ.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગાના કામોમાં અસંખ્ય પ્રમાણમાં નાણાંકીય ગેરરીતિના અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જોકે ગુજરાતી મિડિયા અહેવાલની જાણ દિલ્હી સ્થિત ગ્રામીણ વિકાસ મંત્રાલયના મનરેગા વિભાગને થતાં જ સૌથી મોટો હુકમ થયો છે. અહેવાલની જાણ થતાં અભ્યાસ કરી માત્ર 3થી4 દિવસમાં તપાસનો આદેશ થયો છે. કેન્દ્ર સરકારના મનરેગાના અંડર સેક્રેટરી અનુજ ચઢ્ઢાએ ગત 7 ઓક્ટોબરે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સેક્રેટરીને પત્ર લખી ઈમેલ ઉપર આવેલ અહેવાલની સમગ્ર મેટર જોવા, નિયમોનુસાર પગલાં લેવા અને જે કાંઇ તપાસ કાર્યવાહી થાય તેનો એક્શન ટેકન રિપોર્ટ મંત્રાલયને મોકલવા જણાવ્યું છે. આ બાબતની જાણ મનરેગાના સેક્શન ઓફિસર રૂપમ કુમારીને પણ કરાઈ છે. વાંચો નીચેના ફકરામાં હવે શું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં લગભગ આવું પ્રથમ વખત બન્યું હશે કે, કેન્દ્ર સરકારના મનરેગાના સચિવે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ પારદર્શક તપાસનો પત્ર લખ્યો હોય. હવે આ પત્રમાં જણાવ્યું છે તે મુજબ ગુજરાતના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ સમગ્ર વિષયે તપાસ કરવા કમિટી બનાવી શકે છે. આ તપાસ કમિટી સીંગવડ તાલુકામાં મનરેગાના કામોની તમામ બાબતોની ઝીણવટપૂર્વકની તપાસ કરી રીપોર્ટ તૈયાર કરશે. આ રીપોર્ટમાં જે કાંઇ સામે આવશે તે મુજબ મનરેગા એક્ટમા કરેલ જોગવાઈ મુજબ કાર્યવાહી પણ કરવી પડશે ત્યારે તેનો એક્શન ટેકન રિપોર્ટ દિલ્હી જશે. આવી સ્થિતિમાં હવે સીંગવડ તાલુકામાં મનરેગાના કામોની તપાસ કરવા ટીમ પહોંચી હોઈ શકે અથવા ટૂંક સમયમાં ટીમ સીંગવડ ધામા નાખી ગામો ખૂંદવા જઈ શકે છે.