ખળભળાટ@અંકલેશ્વર: કચરાના ઢગલામાંથી હજારોની સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ મળી આવતા તંત્ર દોડતું થયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરુચના અકલેશ્વરમાંથી કચરાની ઢગલામાંથી હજારો કાર્ડ મળી આવતાં તંત્ર દોડતું થયું છે.અંકલેશ્વરના ગીચ વિસ્તાર ગણાતા અંસાર માર્કેટ પાસે આવેલા કચરાના ઢગલામાંથી હજારોની સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સ્માર્ટ કાર્ડ આ રીતે કચરામાં મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુશાંત કોથળાવાલાએ તાત્કાલિક એક્શન લીધા હતા. તેમણે આરોગ્ય વિભાગની ટીમને ઘટના સ્થળે દોડાવી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરતા કચરામાંથી મોટા પ્રમાણમાં કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો, જેને હાલ હેલ્થ વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યો છે.
ડો. સુશાંત કોથળાવાલાએ જણાવ્યું હતું કે, આ કાર્ડ ક્યાંથી આવ્યા અને કોણે ફેંક્યા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ભરૂચ અને સુરત જિલ્લામાં અગાઉ પણ હોસ્પિટલો દ્વારા આયુષ્યમાન કાર્ડના ગેરકાયદેસર ઉપયોગના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. આ કાર્ડનો જથ્થો અહીં કોણે ફેંક્યો? શું કોઈ ખાનગી હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરીને પુરાવા નાશ કરવા માટે આ કાર્ડ કચરામાં નિકાલ કરવામાં આવ્યા છે? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

