ખળભળાટ@બારીયા: અહીં લાઈવ ભ્રષ્ટાચાર, મનરેગાના કૂવા ખાઇ ગયેલા કૌભાંડીઓ હવે કૂવા ચણવા મંડ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામમાં 2 ભ્રષ્ટાચારીઓની હકાલપટ્ટી થઈ પરંતુ ભ્રષ્ટાચારના રાફડો અટકતો નથી. તાલુકાના વધુ એક ગામમાં ભ્રષ્ટાચાર તમને આજે લાઈવ દેખાય તેવી ચોંકાવનારી વિગતો જણાવવા જઈ રહ્યા છીએ. વર્ષો પહેલાં કાગળ ઉપર કૂવા ચણી રૂપિયા ખાઇ ગયેલા કૌભાંડીઓએ હવે બચવા માટે હવાતિયાં મારી રહ્યા છે. કોઈએ માર્ગદર્શન આપ્યું કે, તાત્કાલિક કૂવા ખોદી ચણતર કરી દો, એટલે કૌભાંડીઓએ એકસાથે અનેક જગ્યાએ ગૃપ કૂવા ઉભા કરવા દોડધામ કરી છે. ગામમાં કેટલીક જગ્યાએ ચોક્કસ ખેડૂતોને ત્યાં ગૃપ કૂવાનું કામ ચાલુ છે તે ગૃપ કૂવા ત્રણથી ચાર વર્ષ પહેલા મનરેગા હેઠળ બની ચૂક્યા છે. જોકે લવારીયાની જેમ ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ ના થવું પડે તે માટે કૌભાંડ છૂપાવવા કૂવા ઉભા કરી રહ્યા છે. ભ્રષ્ટાચારનો આ લાઈવ કેસ તમને બામરોલી ગામે જોવા મળશે. વાંચો સ્પેશ્યલ રિપોર્ટ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના બામરોલી ગામમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટે અને કૌભાંડીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા ઉપર દોડધામ મચી ગઇ છે. લવારીયા ગામમાં ભ્રષ્ટાચાર સાબિત થયો અને 2 કરારીને ઘરભેગા થવું પડ્યું છે ત્યારે બામરોલી ગામમાં મનરેગાના ગૃપ કૂવા કાગળ ઉપર હોવાની ફરિયાદ થયેલી જ છે. આથી બામરોલી ગામમાં પાંચથી છ ખેડૂતોને ત્યાં વર્ષ 2019થી 2021 દરમ્યાન થયેલા ગૃપ કૂવા હકીકતમાં જમીન ઉપર બનાવવા કૌભાંડીઓએ કમર કસી છે. જે તે વખતના કરારી જીઆરએસ, ટેકનિકલ અને એડબ્લ્યુએમ સહિતનાને બચાવવા આટલા વર્ષો પછી હકીકતમાં ગૃપ કૂવા બનાવવામાં આવી રહ્યા છે. કોળી કેસરભાઇ વિરસિંહ, નરવતભાઇ બાબુભાઈ, નરશી રામજી, પુના હીરા, બાબુ માસુર અને સુબતભાઇ સહિતના ખેડૂતોને ત્યાં તાત્કાલિક અસરથી ગૃપ કૂવા ઉભા કરવામાં આવી રહ્યા છે. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.
બામરોલી ગામમાં જે જગ્યાએ અત્યારે યુધ્ધના ધોરણે ગૃપ કૂવા ઉભા કરી રહ્યા તેની વિગતો ઓનલાઇન જોશો તો ખબર પડશે કે, વર્ષો પહેલાં અહીં ગૃપ કૂવા બની ચૂક્યા હતા પરંતુ ભ્રષ્ટાચાર ઢાંકવા આખરે વર્ષો બાદ બોગસ કૂવા લાઈવ થયા છે અને જમીન ઉપર સજીવન થઈ રહ્યા છે. આ તો ગામના જાગૃત બે ચાર ખેડૂતોને ત્યાં ગૃપ કૂવા સજીવન કર્યા છે બાકી ઓનલાઇન રીપોર્ટ ચેક કરશો તો જણાશે કે, બામરોલી ગામમાં અનેક ગૃપ કૂવા કાગળ ઉપર છે. જાગૃત નાગરિકે કલેક્ટર અને ડીડીઓને નામજોગ અને પુરાવા સાથે ફરીયાદ આપી હોઈ તપાસને ગેરમાર્ગે દોરી બચવા માટે કૌભાંડીઓએ તાત્કાલિક અસરથી ગૃપ કૂવા ઉભા કરવા મથામણ આદરી છે. હવે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે, કયા કૌભાંડી જે તે વખતે મટીરીયલ બીલો ખાઇ ગયા હશે પરંતુ અત્યારે ગૃપ કૂવા ઉભા કરવા કોણ ખર્ચ આપી રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે.
લીમખેડા તાલુકામાં ફરજ બજાવતાં કનુ પટેલિયાના છે કાંડ
સૂત્રોના જણાવ્યા મુજબ, દેવગઢબારિયા તાલુકાના બામરોલી ગામમાં ભ્રષ્ટાચારનો ભાંડો તો ફૂટી ગયો છે ત્યારે તત્કાલીન ટેકનિકલ તરીકે કનુ પટેલિયા હતા. આ કનુ પટેલિયા અત્યારે લીમખેડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે ત્યારે બામરોલી ગામમાં ગૃપ કૂવા કૌભાંડમાં ભૂંડી ભૂમિકા ભજવી ચૂકેલા કનુ પટેલિયા શું લીમખેડા તાલુકામાં પણ કૌભાંડ કરતાં હશે ? આ સૌથી મોટો સવાલ છે. હવે જોવાનું એ રહ્યું કે, લવારીયા બાદ બામરોલી ગામના ગૃપ કૂવા કૌભાંડના જીઆરએસ અને ટેકનિકલ ક્યારે સસ્પેન્ડ થશે ?