હડકંપ@ફતેપુરા: ભ્રષ્ટાચારની ફરિયાદને મહિલા ટીડીઓની ક્લીન ચીટ? ડીડીઓ બોલ્યા, સ્થળ તપાસ નથી, માત્ર પેમેન્ટ જોયું
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચે જાગૃત બની તત્કાલીન તલાટી અને વહીવટદારે કરેલા 2 કામમાં ક્ષતિ શોધી ચોંકાવનારી ફરિયાદ કરી હતી. મૂળ ફરિયાદ સ્થળ ઉપર કામની અને હકીકતમાં ગ્રામ પંચાયતે કામ થાય કે નહિ તેની હતી પરંતુ તપાસ ચૂકવણી ઉપર થઈ હોવાનું ડીડીઓ સાથેની વાતચીતમાં સામે આવ્યું છે. ફતેપુરા મહિલા ટીડીઓએ તપાસ કરી ડીડીઓને રીપોર્ટ કર્યો તેમાં શું ક્લિન ચીટ આપી છે? આ બાબતે ડીડીઓ જણાવે છે કે, રીપોર્ટમાં સ્થળ તપાસ નથી, માત્ર ચૂકવણું બરાબર હોવાનું છે, કેમ કે સરપંચની ફરિયાદ પેમેન્ટ ઉપર હતી. હવે આ બાબતે સરપંચની ફરિયાદનો પત્ર વાંચતા સ્થળ તપાસ કરવી જ પડે તો જ ખાત્રી થાય તેમ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયતને ગત જુલાઈ મહિનામાં મળેલા નવા સરપંચે અને ગામના એક જાગૃત નાગરિકે તંત્રને ચોંકાવનારી ફરિયાદ કરી છે. ફરિયાદની ગંભીરતા એટલી છે કે, રજૂઆત ખોટી કે સાચી એ સ્થળ સ્થિતિની ખાત્રી વગર સ્પષ્ટ થાય નહિ. સરપંચે એટીડીઓને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, માલિકીના સર્વે નંબરમાં રસ્તાનું કામ કર્યું છે, જે કામ સર્વે નંબરના માલિકે કર્યું છે અને ચૂકવણું તલાટી તેમજ તત્કાલીન વહીવટદારે કર્યું છે. ફતેપુરા ગ્રામ પંચાયતે આમાં કોઈપણ પ્રકારનું કામ કર્યું જ નથી, તેવા આક્ષેપ સાથે રજૂઆત કરી જવાબદાર તલાટી કમ મંત્રી અને વહીવટદાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. હવે આ બાબતે ફતેપુરા મહિલા ટીડીઓએ તપાસ કરી રીપોર્ટ ડીડીઓને આપ્યો તેમાં કદાચ ક્લિનચીટ હોઈ શકે છે. કેમ, તે પણ વાંચો. ડીડીઓને પૂછતાં જણાવ્યું કે, ટીડીઓએ પેમેન્ટ બરાબર થયાનું રીપોર્ટમાં જણાવ્યું છે, કેમ કે સરપંચની રજૂઆત પેમેન્ટ બરાબર નથી તેમ હતી. તો અહિં સવાલ થાય કે, મહિલા ટીડીઓએ પોતાના સાહેબ એવા ડીડીઓને ગેરમાર્ગે દોર્યા ? વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચની રજૂઆતમાં સ્પષ્ટ લખ્યું છે કે, ગ્રામ પંચાયતે સદર જગ્યાએ કામ કર્યું નથી કેમ કે, ખાનગી જગ્યા છે. તો આ બાબતે ડીડીઓ લોઢા જણાવે છે એ મુજબ શું ટીડીઓએ સ્થળ તપાસ નથી કરાવી ? શું પેમેન્ટ બરાબર જ જોવાનું હતું? સરકારના હિતમાં સ્થળ ઉપરની ખરાઇ અથવા સ્થળ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં છે કે કેમ? તેની કોઈ તપાસ જરૂરી ના હતી ? ડીડીઓએ આખરે જણાવ્યું કે, સ્થળ તપાસ બાબતે ખાત્રી કરાવી લઈએ છીએ. આ તરફ સરપંચ અને જાગૃત નાગરિક કેમ વારંવાર દાવો કરે છે કે, જે જગ્યાએ કામો બતાવ્યા તે જગ્યા ફતેપુરા ગ્રામ પંચાયતની નથી? મહિલા ટીડીઓએ પોતાના રીપોર્ટ કોને અને કેવીરીતે ક્લિન ચીટ આપી કે નથી આપી એ સવાલ નથી પરંતુ સ્થળ તપાસ કેમ નહિ તે સૌથી મોટો સવાલ બન્યો છે.

