ખળભળાટ@હાંસોટ: કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ, ભૂસ્તર વિભાગને સાથે રાખી 27 કરોડનો કોલસો જપ્ત

 
કોલસો

ખેતીની જગ્યામાં કોલસાનો ડુંગર જેટલો ખડકલો થતાં લોકોની નજરે પડયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાંસોટ તાલુકાના આસ્તા ગામે હજીરાથી એક ખેતરમાં આશરે 36 હજાર મેટ્રીક ટન જેની કિંમત આશરે રૂા.27 કરોડ થાય છે જે હાંસોટના મામલતદાર રાજન વસાવાએ જપ્ત કરતાં કોલસાનો કાળો ધંધો કરનારામાં ફ્ફ્ડાટ વ્યાપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૂરતના સચિનમાં 2014માં સ્ટીમ હાઉસ નામની કંપની છે. જે થોડા વર્ષોથી હવે અંકલેશ્વર જીઆઇડીસીમાં શરૂ કરી છે. આ કંપની અંકલેશ્વરમાં આવેલ કંપનીઓને કોમ્યુનિટી બોઈલર પ્રદાન કરે છે.

આથી ઉદ્યોગોને પોતે બોઈલર બનાવવાની અને કોલસો કે અન્ય બળતણ રાખવાની જરૂર પડતી નથી. કોલસાથી ઉત્પન્ન થતી વરાળ આ ઉદ્યોગોને વેચે છે. આથી કોલસાની મોટા પ્રમાણમાં જરૂરત ઉભી થાય છે. અને તેના માટે મોટી જગ્યાની પણ જરૂરત પડે છે.ત્યારે જગ્યાની વ્યવસ્થા હાંસોટ તાલુકાના એક ગામના જમીન દલાલે તેમને આ જમીન અપાવી હતી. જમીનની આજુબાજુના ખેતરોમાં હાલ શેરડીનો પાક ઉભો છે, અને અકસ્માતે જો કોલસો સળગી ઉઠે તો આજુબાજુના ખેતરમાં ઉભેલી શેરડી બળીને ખાખ થઈ જાય તો નવાઈ નહી.

આ આખી ઘટના હાંસોટના મામલતદાર રાજન વસાવાના ધ્યાને આવતાં તેઓએ તુરંત ઘટના સ્થળે જઈ આસ્તા ગામના તલાટી સરપંચને બોલાવી જરૂરી પૂછપરછ કરી ભૂસ્તર વિભાગને પણ સાથે રાખી તમામ 36 હજાર મેટ્રીક ટન કોલસો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અને બાકીની તપાસ ભૂસ્તર વિભાગને સોંપી હતી.