ખળભળાટ@પાલનપુર: 83 લાખના ટેન્ડર સામે વિજળીના ઈજનેરે માંગી લાંચ, કચેરીમાં જ રંગહાથ ઝડપાયા

 
Ugvcl officer SR patel
ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરે ટેન્ડરની ટકાવારી પ્રમાણે લાંચની માંગણી કરી હતી 
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વિજ પુરવઠો પાડતી અલગ અલગ વિજ કંપનીના ઈજનેરો એસીબીના હાથે ઝડપાઇ રહ્યાના કિસ્સા આવી રહ્યા છે. આજે યુજીવીસીએલના પાલનપુર સર્કલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ટેન્ડરની આગળની પ્રક્રિયા પાર પાડવા સામે કોન્ટ્રાક્ટર પાસેથી 83 લાખના ટેન્ડર સામે 1 ટકા લાંચની રકમ ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરે માંગી હતી. જોકે કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા ઈચ્છતા નહિ હોવાથી ફરિયાદ આધારે મહેસાણા એસીબીએ છટકું ગોઠવી આજે અધિક્ષક ઇજનેરની કચેરીમાં રેડ કરી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર એસ.આર પટેલને ઝડપી લીધા હતા. વિજ કંપનીના અધિક્ષક ઇજનેર એસીબીના હાથે ઝડપાઇ ગયાની વાત વિજળીના પાવરની જેમ વિજ આલમમાં ફેલાઇ જતાં ચકચાર મચી ગઈ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ઉત્તર ગુજરાત વિજ કંપની હેઠળ આવતી પાલનપુર સ્થિત વર્તુળ કચેરી હેઠળ એક ટેન્ડર પ્રક્રિયા ચાલતી હતી. આ દરમ્યાન ઇલેક્ટ્રીકલ લેબર કોન્ટ્રાક્ટર તરીકેનો ધંધો કરતા વેપારીને આ કચેરીનો સંપર્ક થયો હતો. અહીં ટેન્ડર એપ્રુવ કરાવવા માટે એટલે ટેન્ડરની આગળની પ્રક્રિયા પાર પાડવા ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજય રસિકલાલ પટેલે ચોંકાવનારી વાત કરી હતી. ઈલેક્ટ્રોનિકના લેબર કોન્ટ્રાક્ટર એવા વેપારીને બોલાવી રૂ.83 લાખના ટેન્ડરને એપ્રુવ કરવા એક ટકા લેખે રૂ.82,000ની લાંચની માંગણી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરે કરી હતી. આ લાંચની રકમ વેપારી આપવા માંગતા ના હોય મહેસાણા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મહેસાણા એસીબીએ છટકાનુ આયોજન કરીને પાલનપુર સ્થિત યુજીવીસીએલની વર્તુળ કચેરી પહોંચી હતી. અહીં લાંચના છટકા દરમ્યાન વેપારી પાસેથી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજય રસિકલાલ પટેલે રૂ.82,000ની માંગણી કરી છેલ્લે રૂ.70,000 ની રકમ નક્કી કરી પરંતુ પોતાની સગવડ મુજબ રૂપિયા ૫૦,૦૦૦/- આપતાં આરોપીએ તુરંત લાંચની રકમ રૂ.50,000 સ્વીકારી લીધા ત્યારે બરોબર ટાંણે મહેસાણા એસીબી પોલીસે પકડી લીધાં હતા. યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર એટલે કે ક્લાસ વન અધિકારી 50હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હોવાની માહિતી સામે આવતાં સમગ્ર વિજ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.