ખળભળાટ@પાટણ: જન્મતાં વેત બાળકનું ખરીદ-વેચાણ, છેતરપિંડીની સૌથી મોટી ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં નવજાત શિશુને જન્મ આપનાર માતા પાસેથી છીનવી અન્ય માતાપિતાને બાળક પધરાવી દીધાની ઘટના સામે આવી છે. બાળકને દત્તક લેવાની પ્રક્રિયા કર્યા વિના બાળકનો રૂપિયાથી સોદો કરી વેચાણ કરી, બાળકની કોઈ બિમારી હોવાનું ખબર પડતાં, સોદા મુજબનાં નાણાં પરત ના આપ્યાનો આખો કિસ્સો પોલીસને ધ્યાને આવતાં ચકચાર મચી ગઈ છે. ગંભીર પ્રકારનો ગુનો કહી શકાય તેવી આ ઘટના જાણી પાટણની બાહોશ એસ.ઓ.જી પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્યારે કસૂરવારોએ ફરિયાદથી બચવા ધમપછાડા કર્યા હતા. જોકે પોલીસ અને ગુજરાત સરકારની ન્યાયના હિતમાં ત્વરિત કાર્યવાહી થતાં ચોંકાવનારી ઘટનાનો ગુનો દાખલ કર્યો છે. આ પ્રકારની લેવડદેવડવાળી લગભગ સૌપ્રથમ ઘટના હોઈ ભગવાન સ્વરૂપ બાળકોના હિત ઈચ્છતા સૌ કોઈ ચોંકી ગયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ શહેરના એક દંપતિ ઘણા સમયથી બાળકના જન્મ નહિ થવા બાબતે ચિંતિત હતા. લગ્નનો ઘણો સમય વીત્યા છતાંબાળક થતું ના હોવાથી પાટણની નિષ્કા હોસ્પિટલમાં ફરજ કરતાં નરેન્દ્રભાઇને વાત કરી હતી. આથી આ નરેન્દ્ર દરજીએ કહેલ કે ઘણી વખત હોસ્પિટલમાં અનાથ બાળકો આવતા હોય છે,આથી જો તારે કોઈ અનાથ બાળક લેવું દત્તક લેવું હોય તો કહેજે. આથી પાટણના યુવકે કહેલ કે, મને ગમશે તો બાળક હું લઈ જઈશ. આ વાતને થોડા દિવસ પછી નિષ્કા હોસ્પિટલમાંથી અમરત રાવળ નામના વ્યક્તિએ બાળક દત્તક લેવા ઈચ્છતા યુવકને ફોન કરી કહેલ કે અનાથ બાળક હોસ્પિટલમાં આવેલ છે. આથી યુવક નિષ્કા હોસ્પિટલ પહોંચી બાળકની તબિયત નાજુક જોઈ હતી. જોકે બાળકની તબિયત એક અઠવાડિયામાં સારી થઈ જશે તેમ કહ્યું હતુ. આ દરમ્યાન યુવકે પુછ્યું કે, આ બાળક કોણ લઈને આવેલ ત્યારે જવાબમાં સાંતલપુર તાલુકાના કોરડા ગામનાં સુરેશ ઠાકોર આ બાળક દાખલ કરીને ઘરે ગયેલનુ જાણ્યું હતુ.
આ તરફ યુવકે પોતાના પરિવારજનોને જણાવેલ કે, બાળક હોસ્પિટલમાં જોઈ લીધું છે દત્તક લેવા બાબતે ચર્ચા વિચારણા કરી હોવાનું પણ કહ્યું હતુ. આ પછી 2 દિવસ પછી સુરેશ ઠાકોર બાળકની સંભાળ લેવા આવેલ અને હોસ્પિટલના અમરત રાવળે કોરડાના સુરેશભાઈનો પરિચય પાટણના યુવક સાથે કરાવ્યો હતો. આ બાળક પેટે રૂ.1,20,000 આપવાના થશે તેમ સુરેશ ઠાકોરે કહેતા યુવકે તુરંત બાળકને દત્તક લેવાના કાગળોની પ્રક્રીયાની વાત કરી હતી. આથી સુરેશ ઠાકોરે બાળકનો જન્મનો દાખલો આપવાનું સ્વિકારી ટોકન પેટે રૂ.૫૧ આપી લઈ બાળકની તબિયતમાં સુધારો આવે ત્યારે બાળક લઈ જવાનું કહ્યું હતુ. આ પછી બાળકની તબિયતમાં સુધારો આવતા સુરેશ ઠાકોરે રૂ.50હજાર મેળવી બાળક લઈ જવાનું કહેતા યુવક હોસ્પિટલના ડોક્ટરને મળેલ અને બાળકની કઇ રીતે સાંભળ રાખવી તેની જાણકારી મેળવી હતી. આ સમયે હોસ્પિટલનું બિલ ભરવા રૂ.10હજાર ભરવાનું કહેતા રૂ.5 હજાર ભરીને બાળક હોસ્પિટલથી ઘરે લઈ ગયા હતા. થોડા દિવસ પછી બાળકનું નામ પાડી યુવકે સુરેશ ઠાકોરને વોટ્સએપ થકી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા ત્યારે સુરેશ ઠાકોરે જન્મપ્રમાણ પત્ર મેળવી આપ્યુ હતુ. ત્યારે યુવકે 50હજાર આપેલ અને દત્તક લેવાના કાગળો કરી આપવાનું કહેતા સુરેશ ઠાકોરે કહેલ કે, તમારા નામના બાળકનું જન્મનું પ્રમાણ પત્ર આપેલ છે.
હવે સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે અચાનક એક રાત્રીના સમયે બાળકની તબિયત લથડી હતી. આથી યુવક અને તેમની પત્ની આ બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રીપોર્ટ કરાવતાં બાળકને માથામાં પાણી ભરાય છે તેવું ડોક્ટરે કહ્યું હતુ. આ વાત યુવકે તાત્કાલિક અસરથી કોરડાના સુરેશ ઠાકોરને ફોન ઉપર કરી અને કહ્યુ કે, તમો એકબાજુ બાળકના દત્તકના કાગળો કરી આપતા નથી અને બાળકના માથામાં પાણી ભરાય છે. આથી બાળકને પાછું લઈ જાઓ તેમ કહેતાં સુરેશ ઠાકોર થોડા દિવસ પછી યુવકને મળી બાળકને લઈ ગયો હતો. આ પછી યુવકે પોતાનાં નાણાં પરત માંગતા બાળકને થરાદ આશ્રમમાં મૂકવાનું કહીને સુરેશ ઠાકોરે રૂ.30હજાર પરત આપ્યા હતા અને બાકી રહેલ રકમ પરત ના આપતા યુવકે અવાર નવાર ફોન કરવાનું શરૂ કર્યું હતુ. જોકે સુરેશ ઠાકોરે ફોન ઉપાડવાનું બંધ કરતાં યુવકે પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ પાટણ પોલીસને જણાવતાં બાળકના ખરીદ વેચાણનો સૌથી મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાટણ શહેર બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે 465, 467 , 468, 471, 406, 420 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 80 અને 81 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકની નોંધણી કરાવવાથી લઈને ખરીદ વેચાણ કરવા/કરાવવામાં ભૂંડી ભૂમિકા ભજવી ચૂકેલા કૌભાંડીઓ પણ રડારમાં હોઈ ટૂંક સમયમાં બીજા ન્યૂઝ રીપોર્ટમાં મહા ઘટસ્ફોટ કરીશું.