ખળભળાટ@તાપી: આયોજન અને વાપ્કોસનુ મહાકૌભાંડ, કામ કર્યા વિના કરોડોની રકમ ચૂકવી દીધી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
તાપી જિલ્લામાં અગાઉ અનેકવાર નાના મોટા કૌભાંડના સમાચાર આવતાં રહ્યાં પરંતુ આ કૌભાંડ ક્યારેય ના સાંભળ્યું કે ના વાંચ્યું હોય તેવું છે. વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાં સૌથી મોટા ભ્રષ્ટાચારનો આ પ્રથમ અધ્યાય વિગતે સમજવો પડે તેમ હોવાથી પ્રાથમિક માહિતી જાણીએ. કેન્દ્ર સરકારના મંત્રાલય હેઠળ આવતુ વાપ્કોસ નામના સંગઠને કેટલાક વર્ષ અગાઉ જિલ્લા આયોજનને દરખાસ્ત કરી હતી. પોતાના કામકાજને કોઈ લાગતી વળગતી ના હોવા છતાં કામ લેવાની દરખાસ્ત કરી હતી. તત્કાલીન આયોજન અધિકારી પાંડેએ પણ ઈરાદાપૂર્વક કરોડોની વહીવટી મંજૂરી આપી દીધી હતી. હવે પરિસ્થિતિ એવી છે કે, કુલ 5 જગ્યાએ કામો પૂર્ણ થયા નથી અને કરોડોનું ચૂકવણું આયોજન કચેરીએ કરી દીધું છે. દરખાસ્તથી માંડીને પેમેન્ટ આપવા/લેવાની આખી પ્રક્રિયા જ ગંભીર સવાલો વચ્ચે આવી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
તાપી જિલ્લા કલેક્ટર અને આયોજન અધિકારીએ નાણાંકીય વર્ષ 2022-23 દરમ્યાન એક યોજનામાંથી ઢગલાબંધ કામો માટે વહીવટી મંજૂરીઓ કાઢી હતી. જેમાં એક હતી વાપ્કોસને મળેલી સરેરાશ પોણા બે કરોડથી વધુની વહીવટી. આ કામ લેવા વાપ્કોસના તત્કાલીન કર્મચારી અને તેની ટીમે દરખાસ્ત કરી હતી પરંતુ આ દરખાસ્ત જ ભૂલ ભરેલી અને શંકાસ્પદ હતી. તેમ છતાં વિવાદાસ્પદ અને જેના કામમાં ઘણાં જિલ્લામાં તપાસ ચાલી રહી તેવા આયોજન અધિકારીએ આપી હતી. આ દરખાસ્ત મંજૂર કરી કલેક્ટર અને આયોજન અધિકારીએ ટૂંક સમયમાં કરોડોની ગ્રાન્ટ આ વાપ્કોસને આપી દીધી અને પછી શરૂ થયો અસલી કૌભાંડનો ખેલ. વાપ્કોસે કામ મેળવી લીધું અને ગ્રાન્ટ પણ મેળવી લીધી પરંતુ સ્થળ ઉપર કામો પૂર્ણ કર્યાં નહિ. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે કરોડોના કામોની વહીવટી મંજૂરીઓ વાપ્કોસને મળેલી હતી તેવા કામો હકીકતમાં વાપ્કોસને કેવી રીતે આપ્યા તે સૌથી મોટો સવાલ છે. કરોડોની વહીવટી મંજૂરીમાં મોટાભાગના કામો મટીરીયલ સપ્લાયના હતા. વાપ્કોસને વહીવટી મંજૂરીઓ સામે કરોડો રૂપિયા પણ મળી ગયા તે વાતને આજે સરેરાશ 2 વર્ષ થવા આવ્યા પરંતુ સ્થળ ઉપર જોશો તો ચોંકી જશો તેવી હાલત છે. આયોજન કચેરીને પણ જાણે હવે ભાન થયું હોય તેમ ચોંકી ગયા છે પરંતુ વહીવટી આપતી વેળાએ કોઈ વિચાર્યું નહિ. આયોજન કચેરીને પણ જાણે વાપ્કોસનો ડર હોય તેમ કામ પૂર્ણ નહિ થવા છતાં એક નોટીસ કે કાર્યવાહી કરી શક્યા નથી. આવું મેળાપીપણામાં હેઠળ થયેલું કૌભાંડ ગુજરાતનું કદાચ પ્રથમ કૌભાંડ હશે જેમાં કામ મેળવી ના શકાય અને પૂર્ણ ના થવા છતાં સંપૂર્ણ પેમેન્ટ થઈ જાય. હવે બીજા રીપોર્ટમાં જાણીશું કામની વિગતો અને કોની મિલીભગતથી ગુજરાત સરકારના નિયમો નેવે મૂકી કૌભાંડ આચર્યું.