ઈમ્પેક્ટ@શંખેશ્વર: ગેરકાનૂની માટી ખોદકામ વિરૂદ્ધ થશે કાર્યવાહી, જાણો કેટલા લાખનો દંડ થશે

 
Shankhesvar
કંપનીના માણસ તરફ આવેલ જવાબ આધારે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


શંખેશ્વર મહેસુલી હદ વિસ્તારમાં અજાણ્યા ઇસમોની માટી ખનન બાદ થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, ગેરકાનૂની ખનનવાળી માટી નજીકમાં ઉભી થતી સોલાર કંપનીના રોડ માટે ઠલવાઇ હતી. મામલતદારે કોઈ કાર્યવાહી નથી કરી તેનો ઘટસ્ફોટ થતાં અટલ અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે ખાણખનીજ એકમે નોટીસ ફટકારી હતી. જેના જવાબ હજુ અભ્યાસ હેઠળ છે પરંતુ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારીએ જણાવ્યું કે, ખનન અને ડમ્પિંગ પ્રાથમિક તબક્કે અન અધિકૃત જણાઇ આવતાં લાખો રૂપિયાનો દંડ થશે. પેનલ્ટી સાથેનો દંડ તો થશે જ સાથે સુરેન્દ્રનગર જીલ્લા હદમાં થયેલ ડમ્પિંગ બાબતે પણ વડી કચેરીને ધ્યાને મૂકાશે. સર્વેયરના રીપોર્ટ આધારે દંડની રકમ બાબતે પૂછતાં જણાવ્યું કે, સરેરાશ 30થી 35 લાખ ભરપાઇ કરવાનો હુકમ પણ થઈ શકે છે. જાણીએ વિગતવાર

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ પાસે કેટલાક દિવસો પહેલાં થયેલ ગેરકાનૂની માટી ખનન અને તે હજારો મેટ્રિક ટન માટી નવી બનતી સોલાર કંપનીના હિતાર્થે ઠલવાઇ હતી તે સપાટી ઉપર આવ્યું હતુ. આથી પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીનાએ સીધી સોલાર કંપનીના કર્મચારીને જ નોટીસ ફટકારી જવાબ માંગ્યો હતો. કંપનીના માણસ તરફ આવેલ જવાબ આધારે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો કે, હજારો મેટ્રિક ટન ઠલવાયેલી માટી ગેરકાનૂની ખનનથી મેળવી હતી અને આ માટી સદર સોલાર કંપનીના આવાગમન માટે રોડ સારું ડમ્પિંગ કરાઇ હતી. ખાણખનીજના સૂત્રોએ જણાવ્યું કે, ખનનવાળા સ્થળે સર્વે થયું છે અને તે જગ્યા પાટણ જિલ્લા હદમાં છે પરંતુ ડમ્પિંગ વાળી જગ્યા કેટલીક પાટણ જિલ્લામાં તો કેટલીક સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. હવે દંડ બાબતે મોટી વાત સામે આવી કે, ખનના સર્વેમાં અને ડમ્પિંગના જથ્થામાં જે વધુ હશે તે મુજબનો દંડ બનશે. વાંચો નીચેના ફકરામાં 

સમગ્ર મામલે પાટણ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારી પ્રજાપતિએ જણાવ્યું કે, હાલની સ્થિતિએ સરેરાશ 30થી 35 લાખનો દંડ થવાની શક્યતા છે અને આગામી 15 જુલાઈ સુધીમાં હૂકમ પણ થઈ જશે. જોકે દંડ બાબતે જથ્થાનુ બહુલ પ્રમાણ જો ડમ્પિંગના આધારે થાય તો હદફેર બાબતે સુરેન્દ્રનગર જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી અથવા ગાંધીનગર વડી કચેરીએ જાણ કરવામાં આવશે. આ તરફ સ્થાનિક જાગૃત નાગરિકોમાં હજુપણ બૂમરાણ છે કે, ખૂબ મોટા પ્રમાણમાં માટી ઠલવાઇ હોવાથી દંડ અને પેનલ્ટી અડધા કરોડ જેટલી બની શકે તો નવાઇ નહી, કેમ કે ખનનવાળી જગ્યા સિવાય પણ અન્ય કોઈ જગ્યાએથી ખનીજ માફિયાઓએ માટી ઉઠાવી સદર રોડ માર્ગે ઠાલવી હોવાની ચર્ચા છે.