મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોઈ આ ધારાસભ્યએ પત્ર દ્વારા પ્રશ્નોનો કર્યો મારો

અટલ સમાચાર, વડગામ મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠામા આવવાના હોઈ વડગામ ધારાસભ્ય મેવાણીએ જિલ્લાના પ્રશ્નો તરફ મુખ્યમંત્રીનુ ધ્યાન દોરવા પત્ર લખી જાણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને લખાયેલ પત્ર: આદરણીય રૂપાણી સાહેબ બનાસકાંઠામાં આપનું ભાવભીનું સ્વાગત છે, પણ અહીંની જનતાના સળગતા સવાલોનું શું ? – જીજ્ઞેશ મેવાણી વિજયભાઈ રૂપાણી આપ આવતીકાલે 70મા ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે
 
મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોઈ આ ધારાસભ્યએ પત્ર દ્વારા પ્રશ્નોનો કર્યો મારો

અટલ સમાચાર, વડગામ

મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠામા આવવાના હોઈ વડગામ ધારાસભ્ય મેવાણીએ જિલ્લાના પ્રશ્નો તરફ મુખ્યમંત્રીનુ ધ્યાન દોરવા પત્ર લખી જાણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને લખાયેલ પત્ર: 

આદરણીય રૂપાણી સાહેબ બનાસકાંઠામાં આપનું ભાવભીનું સ્વાગત છે, પણ અહીંની જનતાના સળગતા સવાલોનું શું ? – જીજ્ઞેશ મેવાણી

વિજયભાઈ રૂપાણી આપ આવતીકાલે 70મા ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે બનાસકાંઠા આવી રહ્યા છો તે જાણીને હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રી બનાસકાંઠા જિલ્લામાં ધ્વજવંદન માટે આવે અને ગુજરાતી જનતા જોગ જાહેર સંદેશ આપે જે બનાસકાંઠા માટે આનંદનો વિષય છે.પરંતુ, આ જિલ્લામાં જ મારો મતવિસ્તાર વડગામ પણ આવેલ હોઈ હું બરાબર પરિચિત છું કે બનાસકાંઠા જિલ્લાની જનતા ભારે મુશ્કેલીઓમાં જીવી રહી છે અને સમગ્ર નાગરિક સમાજ આપની સરકારના વહીવટથી ખુબ જ નારાજ અને દુખી છે.

સૌપ્રથમ તો આપ સાહેબશ્રીને જણાવવાનું કે
બનાસકાંઠા જિલ્લામાં આપ જાણો જ છો એમ આજે દુકાળની પરિસ્થિતિ છે. પીવાના પાણી, સિંચાઈનું પાણી, ઘાસ ચારો, રોજગારીની ખૂબ અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિને ડામવામાં આપની સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. દુકાળ મેન્યુઅલનો અમલ થયો નથી, અછતની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી,ખેડૂતો કઈ દશામાં જીવે છે એની સરકારને કોઈ દરકાર હોય એવું લાગતું નથી. દુકાળની સ્થિતિમાં આપ સાહેબની જવાબદારી બનતી હતી કે આ પછાત જિલ્લાની મુલાકાત લઈ, અહીંની ખેતીલાયક જમીનોનું નિરીક્ષણ કરી, ખેડૂતોની સમસ્યાઓ જાણી જાતતપાસ કરી તાબડતોબ તંત્રને દોડતું કરતા, પણ આમાંની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. યુવાનો અને ગામડાના ગરીબ માણસો બેરોજગાર છે. આપની સરકારે તો ગરીબ માણસને ટકી રહેવાનો આશરો આપનારી નરેગાની યોજના પણ બંધ કરી દીધી છે. નરેગાનું કામ થાય ક્યાંથી? કેન્દ્રમાંથી ફંડ આવે ત્યારે ને ! આતો કેન્દ્રનો ગુજરાતને અન્યાય કહેવાય. દુકાળની પરિસ્થિતિમાં તો આપે 100 દિવસનું નરેગાનું કામ વધારીને 200 દિવસ કરી રોજનું વેતન બમણું કરી આપવાનું હતું એના બદલે એક નવા પૈસાનું કામ નરેગામાં થઈ રહ્યું નથી. યુવાનો હજારોની તાદાદમાં બેરોજગાર છે. નવી રોજગારીની કોઈ વાત થતી નથી અને ભરતી થવાની હોય એમાં પેપર લીક થઈ જાય છે,ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતાં નથી, ઉપરથી માગફળી કૌભાંડમાં આપના નેતાઓ જનતાના કરોડો કમાઈ ગયા !

વધુમાં, પાલનપુરની એકમાત્ર સીવીલ હોસ્પિટલને પણ ખાનગી હાથોમાં પધરાવી દીધી. બનાવવી જ હોય તો સરકારી મેડિકલ કોલેજ બનાવો, 50-60 લાખ ફી ભરીને તો આપના વાઈબ્રન્ટ ગુજરાતમાં આવતા કરોડપતિઓના દિકરા-દીકરીઓ સિવાય ભણશે કોણ !? ગરીબ વિદ્યાર્થીઓનું તો ગજુ જ નથી. લડબી નદીનો પ્રશ્ન પણ ગંભીર છે. તમે જેને ‘મા’ લડબી કહીને સંબોધો છો એની છાતી ચીરીને ભાજપના મળતીયા બિલ્ડરોએ ભ્રષ્ટાચારના મકાનો ઉભા કરી એક ખળખળ વહેતી નદીને ગંદુ નાળુ બનાવીને મૂકી દીધું છે. આપમાં પ્રામાણિકતાનો એક પણ અંશ બચ્યો હોય તો આ નદી ઉપર બંધાયેલા તમામ ગેરકાયદેસર બાંધકામ તોડાવી લડબી નદીને એની મૂળ સ્થિતિમાં વહેતી કરી બતાવો !

વડગામની વાત કરું તો આપ જે પક્ષ સાથે જોડાયેલા છો તેના અનેક નેતાઓ દ્વારા ભૂતકાળમાં ચૂંટણી ટાણે વચન આપવામાં આવતું રહ્યું છે કે મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં નર્મદાનું પાણી લાવીશું. પરંતુ આજ દિન સુધી ખોખલા વચન સિવાય આ દિશામાં એક પૈસાનું કામ થયું નથી.મારી શુદ્ધ જાણકારી મુજબ નર્મદાની કેનાલ અહીંથી ફકત 16 કિલોમીટરની અંતરે છે, જો તેનું પાણી મુક્તેશ્વર ડેમ સાથે જોડી દેવામાં આવે તો ફક્ત વડગામ જ નહીં, પાલનપૂર અને ખેરાલુ તાલુકા સહિત 100 થી વધુ ગામોને તેનો લાભ મળે અને ત્રણેય તાલુકાની તાસીર બદલાઈ જાય. સિંચાઈના પાણી માટે તરસી રહેલી ત્રણ તાલુકાની જમીન નવપલ્લવિત થાય અને ત્રણેય તાલુકાના ખેડૂતોની રોનક બદલાઈ જાય.માત્ર વડગામ માટે નહીં પરંતુ આ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતો વતી આપને આગ્રહભરી વિનંતી કરું છું કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમને આ ભેટ તમે આપતા જાઓ.નહીંતર એવું લાગશે કે મોટા નેતાઓની જેમ આપના નેતાઓ પણ જુમલાઓ જ આપી રહ્યા છે.

આ મુદ્દે, આપની મુલાકાતનો સમય માંગ્યો હતો પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને પણ આપ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. બની શકે કે આપ ૨૦૧૯ના કારણે વ્યસ્ત હોવ, આવતા ચાર મહિના હું પણ વ્યસ્ત છું, પણ જૂન મહિનાથી ઉપરોકત દરેક સવાલ ઉપર આપને ઘેરવાનો છું. તિરંગો લહેરાવીને ફોટા પડાવી જતા રહેવાને બદલે ઉપરોક્ત સવાલોનું નિરાકરણ લાવી બતાવો તો પ્રજાસત્તાક દિનની ઉજવણી લેખે લાગે. ખાસ એ પણ યાદ અપાવવાનું કે આપની સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નારામાંથી જે રીતે દલિત-મુસ્લિમ સમાજ, શોષિતો,વંચિતો,આદિવાસીઓની બાદબાકી કરવામાં આવી છે તે આપણા દેશના બંધારણના અમુખમાં જે ધર્મનિરપેક્ષ લોકતંત્રની ભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે સુસંગત નથી તે આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપને અને આપની સરકારને સમજાય તેવી આશા રાખું છું.