ઘટના@અમદાવાદ: ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનો બળીને ખાક, જાણો વિગતે

 
ઘટના

આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે વહેલી સવારે અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલાં 35 વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલા વાહનો હતા અને 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રીંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલા ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી.

આગ લાગતાની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.ઓઢવ બ્રિજની નીચે આઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલા ટુ-વ્હીલર અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલા ડિટેઈન કરેલા ટુ-વ્હીલર અને બે ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.