ઘટના@અમદાવાદ: સ્કૂલે જતી 9 વર્ષની વિદ્યાર્થિનીને AMCની કચરાની ગાડીએ કચડતા મોત
ગાડી ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરમાં સરસપુર વિસ્તારમાં AMCની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને કચડતા તેનું મોત થયું. અકસ્માત બાદ ડ્રાયવર ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.અમદાવાદ મહાનગરપાલિકાની કચરાની ગાડીએ સરસપુર વિસ્તારમાં નવ વર્ષની બાળકીને કચડતા મોત થયું છે.
સરસપુર પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને AMCની કચરાની ગાડીએ કચડી નાખી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. ધોરણ-પાંચમાં અભ્યાસ કરતી નવ વર્ષની વિદ્યાર્થિની સાયકલ લઇને સ્કૂલમાં જતી હતી આ દરમિયાન તેનું નિધન થયું હતું. ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ છોકરીનું નામ ફાતિમા હોવાનું સામે આવ્યું છે. ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાનમાં પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે તે નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.હાલ આ મામલે ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.