ઘટના@અમદાવાદ: 'સહજાનંદ ટાવર’માં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી

 
ઘટના
તમામ ઘરવખરી બળીને સંપૂર્ણપણે રાખ 

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા ‘સહજાનંદ ટાવર’માં આજે એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે સમગ્ર ફ્લેટ અને આજુબાજુના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

જીવરાજ પાર્ક ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા સહજાનંદ ટાવરના એક બંધ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે ફ્લેટની અંદર રાખેલો કિંમતી સામાન, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને તમામ ઘરવખરી બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગઈ છે. આ ભીષણ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઇટરની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ બિલ્ડિંગમાં રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર વિભાગે આગ પર પૂરેપૂરો કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમે સમયસર કામગીરી કરતાં આગ અન્ય ફ્લેટ કે આખી બિલ્ડિંગમાં ફેલાતી અટકી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી.જે સમયે મકાનમાં આગ લાગી, ત્યારે ઘરની અંદર કોઈ હાજર નહોતું અને મકાન સંપૂર્ણપણે બંધ હતું.