ઘટના@અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં અજાણ્યા પાર્સલમાં જોરદાર બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ
કારણ જાણવા માટે FSLની ટીમની મદદ લેવામાં આવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના પાલડીમાં આજે ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં જોરદાર ધડાકો થયો હોવાની ઘટના સામે આવી છે. અચાનક થયેલા વિસ્ફોટના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આ ગંભીર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઈન બોર્ડ પણ તૂટી પડ્યું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. વિસ્ફોટનું કારણ જાણવા માટે FSLની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ પાર્સલ કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું અને તેમાં કયા પ્રકારનું વિસ્ફોટક કે કેમિકલ હતું, તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

