ઘટના@અમદાવાદ: એક્ટિવા ચાલકને હેલ્મેટ ના પહેરવા બદલ 10.50 લાખનો દંડ ફટકારાયો

10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવાર ચોંકી ગયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં હેલ્મેટ ન પહેરવા બદલ એક યુવકને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વસ્ત્રાલમાં રહેતા અનિલ હડિયાને 500 રૂપિયાના બદલે 10 લાખ 50 હજાર રૂપિયાનો મેમો આવ્યો હતો. યુવકે આ મામલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. હાજર સ્ટાફ દ્વારા યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી આપવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અનિલ હડિયાને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવાર ચોંકી ગયો હતો. વકીલાતનો અભ્યાસ કરતા અનિલ હડિયા ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વગર જતો હતો.
આ દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના જવાને એક્ટિવા ચાલકને રોકીને હેલ્મેટ ના પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. 15 મિનિટના ગાળામાં જ યુવકના મોબાઇલ પર નિયમભંગનો મેસેજ આવ્યો હતો. ઓઢવ પોલીસ દ્વારા ગત મહિને પોલીસ ચોકીમાં બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેને કોર્ટની વેબસાઇટ ચેક કરતા તેમાં નિયમભંગના 10 લાખ 50 હજારનો મેમો જોઇ પરિવાર ચોંકી ગયો હતો. ગત જુલાઇ મહિનાથી કોર્ટ-કચેરીના અનેક વખત ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. ટ્રાફિકના ઉચ્ચ અધિકારીએ ટેકનિકલ સમસ્યા ગણાવી તેને હલ કરવાની બાંહેધરી આપી હતી.