ઘટના@અમદાવાદ: પાણીના ભારે પ્રવાહમાં બે પુરુષોના મૃતદેહો તણાઈ આવતાં તંત્રમાં દોડધામ

 
વરસાદ
સ્થાનિક લોકોએ આ અંગે તુરંત પોલીસને જાણ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દરમિયાન ધોળકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાણીના ભારે પ્રવાહમાં બે અલગ-અલગ જગ્યાએથી બે પુરુષોના મૃતદેહો તણાઈ આવ્યા છે.

ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલય પાસે અને મફલીપુર નજીક પાણીના વહેણમાં બે અજાણ્યા પુરુષોના મૃતદેહો વહી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તુરંત પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં બંને મૃતકોની ઓળખ છતી થઈ શકી નથી. જેથી ધોળકા પોલીસે આ અંગે ગુનો નોંધીને તેના વાલી-વારસોની શોધખોળ હાથ ધરી છે.