ઘટના@અમદાવાદ: એક જ રાતમાં બે યુવાનોની ઘાતકી હત્યાથી ખળભળાટ, જાણો સમગ્ર મામલો

 
ઘટના
બે-બે હત્યાના બનાવો બનતા પોલીસ વિભાગ દોડતું થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં એક જ રાતમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાઓએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રથમ ઘટનામાં, શહેરની સૌથી મોટી અને અતિસંવેદનશીલ જગ્યા ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.આ ઘટનાને પગલે હોસ્પિટલ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને લોકોમાં પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હત્યાનો ભોગ બનનાર યુવકનું નામ સુરેશ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાઓએ સુરેશ ભીલને માત્ર એટલી બાબતે મોતને ઘાટ ઉતાર્યો કે, તે 'ચાલીમાં કેમ આવ્યો?' હત્યારાઓએ તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી.

આ જ રાત્રે હત્યાની અન્ય એક ઘટના શહેરના રાણીપ વિસ્તારમાં બની હતી. અહીં પણ એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. એક જ શહેરમાં, એક જ રાતમાં બે-બે હત્યાના બનાવો બનતા પોલીસ વિભાગ દોડતું થયું છે અને હત્યાના આ બંને કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી છે.અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં હત્યાની ઘટના બનવી એ સુરક્ષા વ્યવસ્થાની મોટી નિષ્ફળતા દર્શાવે છે. જ્યારે સામાન્ય પ્રજાના જાનમાલની સુરક્ષા માટે પોલીસ તંત્ર જવાબદાર છે, ત્યારે એક જ રાતમાં બે હત્યાઓ થવી એ કાયદો અને વ્યવસ્થાના ધબડકા સમાન છે. આ ઘટનાઓ બાદ પોલીસ કમિશનર દ્વારા શહેરના ગુનેગારોને તાત્કાલિક પકડી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાના આદેશો આપવામાં આવ્યા છે.