ઘટના@અમદાવાદ: ચાલકે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ, એકનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા હાઈવે પર આવેલા ધીંગડા ગામ નજીક એક કારચાલકે સ્ટીયરિમગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારે હવામાં છથી સાત ગુલાંટ ખાધી હતી અને 100 મીટર સુધી ઢસડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
કારમાં સવાર મુસાફરો સુરતથી પોતાના વતન ઉના જઈ રહ્યા હતા. તે દરમિયાન બગોદરા-ધંધુકા હાઈવે પર ધીંગડા ગામ નજીકથી પસાર થતી વખતે અચાનક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રસ્તા પર જ છથી સાત વખત પલટી મારી ગઈ હતી અને રોડ પર 100 મીટર સુધી ઘસડાતા કારનો કુરચો બોલી ગયો હતો.અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે કારમાં સવાર બે વર્ષના માસૂમ બાળકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી બગોદરા 108ની ટીમ દ્વારા તેને તાત્કાલિક પ્રથમ બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડાયું હતું.

