ઘટના@અમદાવાદ: ઘી કાંટામાં કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી, 4 ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Nov 25, 2025, 17:25 IST
મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના અત્યંત ગીચ અને વેપારી વિસ્તાર ગણાતા ઘી કાંટામાં આવેલા પંચ ભાઈની પોળ નજીક એક કાપડની દુકાનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી આખા માળખામાં પ્રસરી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં, 4 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દુકાનને મોટું નુકસાન થવાની સંભાવના છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

