ઘટના@અમદાવાદ: બાવળામાં ગેસ સિલિન્ડર ફાટતાં ત્રણ મકાનોની દિવાલો ધરાશયી

 
ઘટના
આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ જિલ્લાના બાવળામાં આજે એક ગંભીર ઘટના બની છે. બાવળાના આબા તળાવ પાસે આવેલા ભરવાડ વાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે એકને ગંભીર હાલતમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.જે સમયે આ દુર્ઘટના બની તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જમવાનું બનાવી રહ્યા હતા.

સિલિન્ડર ફાટવાના કારણે આસપાસના કુલ ત્રણ મકાનોની દિવાલો તૂટી પડી હતી. જેના પરથી વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા બાવળાની સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત હોવાના કારણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. સિલિન્ડર ફાટવાના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ જાણવા માટે પોલીસ દ્વારા હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવશે.