ઘટના@અમદાવાદ: જુનિયર ક્લાર્ક પરીક્ષા સેન્ટર પર ઉમેદવારોનો ભારે હોબાળો, જાણો સમગ્ર મામલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી – દાહોદ) દ્વારા આજે લેવાયેલી જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની પરીક્ષામાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. ઉમેદવારોએ પેપર લીક થઈ ગયાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.આ ઘટના અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લિટલબર્ડ સ્કૂલમાં બની હતી.
પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા. એક ઉમેદવારે જણાવ્યું હતું કે, 'અમને ઓએમઆર શીટ દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ, પરંતુ અમને તે 2:05 મિનિટે આપવામાં આવી.'બીજા એક ઉમેદવારે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, 'ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાને બદલે, સુપરવાઈઝર સાહેબો અમારી સામે ખુલ્લાં પેપર લઈને ફરતા હતા. જ્યારે અમે પેપર માગ્યા, ત્યારે તેમણે કહ્યું કે પેપર ઓછા છે. એટલે અમે આપતા નથી.'આ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી. આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું. ઉમેદવારોએ તાત્કાલિક આ મામલે તપાસ કરવાની અને ન્યાય આપવાની માગ કરી છે.