ઘટના@અમદાવાદ: કેશવ એપાર્ટમેન્ટમાં 10મા માળેથી નીચે પટકાતા યુવકનું મોત
Sep 26, 2025, 18:15 IST

યુવક બહારથી ફ્લેટમાં આવ્યો હોવાની આશંકા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા કેશવ એપાર્ટમેન્ટમાં એક દુઃખદ ઘટના બની છે. એક યુવકે બિલ્ડિંગના 10મા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા ચાંદખેડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો છે અને યુવકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.
આશરે 35થી 40 વર્ષીય યુવક કેશવ એપાર્ટમેન્ટના 10મા માળેથી નીચે પટકાયો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવક કેશવ એપાર્ટમેન્ટનો રહેવાસી નથી, પરંતુ તે બહારથી ફ્લેટમાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવામાં આવી રહી છે અને તે કયા સંજોગોમાં 10માં માળેથી નીચે પટકાયો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી રહી છે. યુવક આ એપાર્ટમેન્ટમાં કોને મળવા આવ્યો હતો. તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.