ઘટના@અમદાવાદ: કાલુપુર બ્રિજ નજીક સેવ બનાવવાના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા મચી અફરાતફરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે વહેલી સવારે આગની મોટી ઘટના બની છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા સેવ બનાવવાના કારખાનામાં આજે વહેલી સવારે 2:23 કલાકે 'અંગાર કોલ' મળ્યો હતો. કારખાનામાં રહેલા જ્વલનશીલ પદાર્થો અને તેલના કારણે આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની ગંભીરતાને જોતા શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક મદદ બોલાવવામાં આવી હતી. જેમાં નીચે મુજબના વાહનો અને અધિકારીઓની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ કારખાનામાં રહેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.

