ઘટના@અમદાવાદ: પીપળજ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરી, 'મેજર કોલ' જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના પીપળજ વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. પીપળજની 'એન્ટરપ્રાઇઝ' નામની કંપનીમાં લાગેલી આ આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ઘટનાસ્થળે ફાયર ફાઈટરની 20 ગાડીઓ તૈનાત છે અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
ફેક્ટરીમાં કેમિકલ અને ઓઈલનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને તેને ઓલવવામાં ફાયરના જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલકેમિકલ ફેક્ટરી હોવાથી ઝેરી ધુમાડાને કારણે આસપાસના રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી ફાયરની ગાડીઓની અવરજવરમાં કોઈ અડચણ ન આવે. પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે.

