ઘટના@અમદાવાદ: બેકાબૂ કારે અનેક લોકોને લીધા અડફેટે, 1 મહિલાનું મોત, ચારથી વધુ ગંભીર રીતે ઘાયલ
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા ગરીબનગર ચાર રસ્તા પાસે સોમવારે મોડી સાંજે બેકાબૂ બનેલી એક કારે અનેક લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
કારચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો અને વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલી એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કાર ચલાવી રહેલા વ્યક્તિને વાહન ચલાવતી વખતે અચાનક હાર્ટ એટેક અથવા ખેંચ આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે કાર પરનો કાબૂ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મેડિકલ તેમજ અન્ય રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યોવ્યસ્ સતત વધી રહી હોવાથી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ બનેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને કારચાલકની તબીયત સંબંધિત માહિતીના આધારે અકસ્માતના કારણો શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સત્તાવાર રીતે મૃત્યુઆંક અને અન્ય વિગતો અંગે હજુ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

