ઘટના@અમદાવાદ: આઠ મહિનાથી બંધ પડેલી કારમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર

 
ઘટના
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા આઠ મહિનાથી એક બિલ્ડિંગની બાજુમાં બંધ હાલતમાં પડેલી એક લક્ઝુરિયસ એસયુવી કારમાંથી અંદાજે 40 વર્ષીય શખસનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને બોલાવી તપાસ હાથ ધરી છે.સરખેજ વિસ્તારમાં બિલ્ડિંગની બાજુમાં એક લક્ઝુરિયસ એસયુવી કાર લાંબા સમયથી પાર્ક હતી.

આ કારમાંથી અચાનક અસહ્ય દુર્ગંધ આવવા લાગતા ત્યારથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ખોલીને તપાસ કરતા અંદરથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. શખસના હાથ પર કોમલ અને મિલનના નામનું ટેટૂ કરાયેલું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતદેહની હાલત જોતા શખસનું મોત અંદાજે બે દિવસ પહેલા થયું હોવાનું જણાઈ રહ્યું છે. જે લક્ઝુરિયસ એસયુવી કારમાંથી મૃતદેહ મળ્યો છે, તે છેલ્લા આઠ મહિનાથી ત્યાં બંધ હાલતમાં પડી હતી. આ મુદ્દે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.