ઘટના@અમદાવાદ: નરોડામાં મંદિરના મહંતના આપઘાતથી હડકંપ, જાણો સમગ્ર મામલો

 
મહંત
તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

નરોડામાં મંદિરના મહંતના આપઘાત કેસનો મામલો ગરમાયો છે. જેમાં સંતોષી માતા મંદિર પરિસરમાં જ આપઘાતથી હડકંપ મચ્યો છે. તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યો છે.મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાંનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો છે કે બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ હેરાન કરી રહ્યાં હતા. તેમજ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો દાવો પણ કરાયો છે. છેલ્લા 4-5 વર્ષથી હેરાનગતિ કરાતી હોવાનો આરોપ છે.

 

અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ આજે વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમના દીકરાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ AMCએ મંદિર તોડવાની કોઈ નોટિસ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે. કોર્પોરેશન દ્વારા નવા મકાનો બનાવવાના પગલે મંદિરને તોડવાનો અઠવાડિયાનો સમય આપ્યો હતો.

 

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. મહંતે આપઘાત કરતાં પહેલા સુસાઇડનોટ પણ લખી છે, જેમાં છેલ્લાં ચાર વર્ષથી મંદિરને બચાવવાની લડાઇમાં પોતાના જ પારકા સાથે મળી તેમના વિરુદ્ધ ઊભા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે હાલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. મંદિરના પૂજારી મૃતક મહેન્દ્રભાઈએ મંદિર તોડવાને લઈને કેટલાંક વાક્યો લખેલાં બેનર અને પોસ્ટર પણ પોતાના મંદિરમાં લગાવ્યાં હતાં.