ઘટના@અમદાવાદ: સોનાની દાણચોરીનો ચોંકાવનારો કિસ્સો, મોઢામાં 17 લાખનું સોનું છુપાવીને આવ્યો મુસાફર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેંગકોકથી પરત ફરેલા એક મુસાફરે કસ્ટમ વિભાગની નજરમાંથી બચવા માટે સોનું છુપાવવાનો એવો કીમિયો અજમાવ્યો કે અધિકારીઓ પણ દંગ રહી ગયા. કસ્ટમ વિભાગની બાજ નજર અને કડક તપાસમાં આ દાણચોરી પકડાઈ ગઈ છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ દરમિયાન બેંગકોકથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં એક શંકાસ્પદ પુરુષ મુસાફર ઉતર્યો હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓને આ મુસાફરની હિલચાલ અને વાતચીત કરવાની રીત પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મુસાફર ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, પરંતુ કડક તપાસમાં સત્ય બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે, મુસાફરે સોનાને બિસ્કિટ કે પાવડર સ્વરૂપે નહીં, પણ કેપ્સ્યુલ આકારમાં બદલી નાખ્યું હતું. આ મુસાફરે ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બાર પોતાના મોઢાના ભાગે સંતાડ્યા હતા. મોઢામાં સોનું છુપાવીને તે ગ્રીન ચેનલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી કુલ 108.07 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ₹17 લાખ જેટલી થાય છે. ઝડપાયેલા સોનાની કિંમત અને દાણચોરીની પદ્ધતિને જોતા કસ્ટમ વિભાગે સોનાનો જથ્થો જપ્ત કરી લીધો છે. કસ્ટમ એક્ટ હેઠળ આ મુસાફર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સોનું કોણે મંગાવ્યું હતું અને તે આગળ ક્યાં પહોંચાડવાનું હતું તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વિદેશથી સોનું લાવી ટેક્સ ચોરી કરવાના ઈરાદે કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ પર કસ્ટમ વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર પેસ્ટ સ્વરૂપે કે કપડામાં છુપાવીને સોનું લાવવાના કિસ્સાઓ વધ્યા છે, પરંતુ મોઢામાં કેપ્સ્યુલ સંતાડીને સોનું લાવવાનો આ કિસ્સો અધિકારીઓ માટે પણ નવો હતો. કસ્ટમ વિભાગની ટેકનોલોજી અને બાતમીદારોના નેટવર્કને કારણે દાણચોરો હવે પકડાઈ રહ્યા છે.

